ગાંધીધામમાં મોબાઈલની ચીલઝડપ: બે જણ જબ્બે
ગાંધીધામ, તા. 24 : શહેરના બસ સ્ટેન્ડ નજીક પગપાળા જઈ રહેલા સાળા, બનવી પૈકી 13 વર્ષીય સાળાના હાથમાંથી રૂા. 5000નો મોબાઈલ ઝુંટવી બે શખ્સો નાસી ગયા હતા. પોલીસે ઝડપી કાર્યવાહી કરી આ બે શખ્સોને પકડી પાડયા હતા. શહેરના રેલ્વે મથક નજીક ટી.એસ.એકસ. કવાર્ટરમાં રહેતા નટવર લાખા બામણીયા નામના યુવાને આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે રાત્રે આ ફરિયાદી અને તેનો સાળો વિપુલ બસસ્ટેન્ડ બાજુ નાસ્તો કરવા આવ્યા હતા. નાસ્તો કરીને બન્ને પરત પગપાળા જઈ રહ્યા હતા. તેઓ બસસ્ટેન્ડના બીજા ગેટ નજીક સર્વિસ રોડ ઉપર પહોંચતા પાછળથી એક બાઈકમાં બે શખ્સો આવ્યા હતા અને 13 વર્ષીય વિપુલના હાથમાંથી રૂા.5000ના મોબાઈલની ચીલઝડપ કરી નાસી ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી અને કિડાણાના વિજય જેન્તી ચૌહાણ તથા કાર્ગોના અજય મણીયાર રાજપૂત નામના શખ્સોને પકડી પાડયા હતા.આ શખ્સો પાસેથી એવેન્જર બાઈક તથા બનાવમાં ગયેલો મોબાઈલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.