હિન્દ-પ્રશાંત ક્ષેત્ર પર `ક્વાડ''ની બાજનજર

ટોકિયો/નવી દિલ્હી, તા. 24 : ભારત સહિત ચાર દેશોના સંગઠન ક્વાડ દ્વારા હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે એક મોટી પહેલ શરૂ કરવામાં આવી છે, જે સહભાગી દેશોને પોતાના સમુદ્ર તટો પર તથા જળક્ષેત્રમાં પૂર્ણપણે ચાંપતી નજર રાખવામાં અને ક્ષેત્રમાં શાંતિ તથા સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આ ક્ષેત્રમાં ચીનના દબદબાની વચ્ચે આ પહેલ શરૂ કરવામાં આવી, જે ચીનને કડક સંદેશ છે.ટોકિયોમાં કવાડ સંમેલનના અંતે હિન્દ-પ્રશાંત સમુદ્રી ક્ષેત્ર જાગૃતતા (ઈન્ડો-પેસિફિક મેરિટાઈમ ડોમેઈન અવેરનેસ) પહેલ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાયડન, જાપાનના વડાપ્રધાન  ફુમિયો કિસિદા અને તેમના ઓસ્ટ્રેલિયાઈ સમકક્ષ એન્થની અલ્બનીઝે ભાગ લીધો હતો. બેઠક બાદ જાહેર થયેલા ચારેય નેતાઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આઈપીએનડીએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રના દેશો અને હિન્દ મહાસાગર, દક્ષિણ-પૂર્વ એશિયા અને પ્રશાંત દ્વીપ સમૂહમાં ક્ષેત્રીય માહિતી સંકલન કેન્દ્રો વચ્ચે પરામર્શ અને સમર્થન માટે કામ કરશે. આ ઉપરાંત કવાડ જૂથના નેતાઓએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં કોઈ ઉશ્કેરણી વિના અને એકતરફી રીતે યથાસ્થિતિને બદલવા અને તનાવ વધારવાની કોઈપણ કોશિશનો મંગળવારે ભારે વિરોધ પણ કયા :હતો તથા બળપ્રયોગ કે કોઈ પણ પ્રકારની ધમકી વિના શાંતિપૂર્ણ ઢંગથી વિવાદોનો ઉકેલ લાવવાનું આહ્વાન કર્યું હતું, જે ચીનને વધુ એક કડક સંદેશ છે.  કવાડની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, આટલા ઓછા સમયમાં કવાડે દુનિયામાં એક મહત્ત્વનું સ્થાન બનાવી લીધું છે. કવાડે વિશાળ દાયરો ધારણ કર્યો છે અને તેનું અસરકારક સ્વરૂપ છે. પરસ્પર વિશ્વાસ અને સંકલ્પ લોકશાહી શક્તિઓને મજબૂત બનાવે છે. મોદીએ કહ્યું કે, મિત્રો વચ્ચે આવીને આનંદ થયો છે. આ સાથે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની હાલની ચૂંટણીમાં નવા ચૂંટાઈ આવેલા અલ્બનીઝને અભિનંદન પણ પાઠવ્યા હતા. શપથ લીધાના 24 કલાક બાદ અમારી વચ્ચે તમારી હાજરી તમારી કવાડ દોસ્તીની તાકાત અને તેના પ્રત્યે તમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer