ગુજરાતના હવામાનમાં પલટો

અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે. તેની સાથે પંચમહાલ, મહીસાગર, દાહોદમાં પણ વાતાવરણમાં પલટો આવતાં કેરીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી કરી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે. રાજકોટ ખાતે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય હોવાની આગાહી કરી હતી. ઉપરાંત સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. આ સાથે વલસાડમાં પણ ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. દરમિયાનમાં નવલખી, જામનગર, કંડલા, ઓખા અને પોરબંદરમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં 60  કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. હવામાન વિભાગના અનુસાર ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. તેમજ 25 તારીખ પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે. વરસાદ પડવાની સાથે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળશે.રાજકોટ જિલ્લામાં બપોર બાદ અચાનક કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ થયો હતો. રાજકોટના ઇસ્ટ ઝોન વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.રાજકોટમાં આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજે પાંચ વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યે છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ઢેબર રોડ, યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ, જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, આજીડેમ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer