પંજાબના સ્વાસ્થ્ય મંત્રીની ધરપકડ

નવી દિલ્હી, તા. 24 : પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારના સ્વાસ્થ્ય મંત્રી વિજય શિંગલાને ટેન્ડર અને ખરીદીમાં એક ટકા કમિશન માગવાના આરોપમાં મુખ્યમંત્રી ભગવંત માને કેબિનેટથી  બરતરફ કર્યાના થોડા કલાકમાં તેમની ધરપકડ કરાઈ હતી. આપના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણયથી પ્રશંસા કરતાં કહ્યું હતું કે, આ ફેંસલા પર મને ગર્વ છે. અમે ભ્રષ્ટાચાર સહન કરશું નહીં ભલે ને ગળું કપાઈ જાય, દેશ સાથે  દ્રોહ કરશું નહીં. શિંગલા દરેક કામ અને ટેન્ડર માટે એક ટકા કમિશન માગતા હોવાની ફરિયાદ માન સુધી પહોંચી હતી. તેમણે ચૂપચાપ રીતે તેમની તપાસ કરાવી હતી. અમલદારો સાથે પૂછપરછ કરી હતી અને પછી મંત્રીને બોલાવ્યા હતા. મંત્રીએ ભૂલ કબૂલતાં તેમને મંત્રીમંડળમાંથી બરતરફ કર્યા હતા.પંજાબ પોલીસની ભ્રષ્ટાચાર વિરોધી પાંખે શિંગલા સામે કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મોહાલીના એક પોલીસ સ્ટેશનમાં વિજિલન્સના વરિષ્ઠ અધિકારીઓએ શિંગલાની ઉલટતપાસ કરી હતી. 14મી મેના માન પાસે શિંગલા દરેક કામ માટે એક ટકા કમિશન માગતા હોવાની ફરિયાદ પહોંચી હતી. તેમણે એક અધિકારીને વિશ્વાસમાં લઈને લાંચખોરીનું રેકોર્ડિંગ કરાવ્યું હતું. શિંગલાની ધરપકડને લઈને કેજરીવાલે જણાવ્યું હતું કે, માનના નિર્ણયથી આંખમાં આંસુ આવી ગયા. દેશને તમારા પર ગૈરવ છે. અમે દેશ સાથે ગદ્દારી કરશું નહીં. મેં પણ 201પમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળતાં એક મંત્રી સામે કાર્યવાહી કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer