ભાન ભૂલ્યા ભરતસિંહ; રામમંદિર વિશે વિવાદી બોલ
અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : વિધાનસભાની ચૂંટણી નજીકના સમયમાં હોવાથી ગુજરાતમાં એક પછી એક રાજકીય સંમેલનો યોજાઇ રહ્યા છે ત્યારે ધોળકાના વટામણમાં ઓબીસી સંમેલનમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા નિવેદનો કર્યા હતા. પરંતુ આ તમામ વચ્ચે પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતાસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન કર્યું હતું કે, ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે. રામશીલા લોકોએ ગામોગામથી અયોધ્યા મોકલાવી હતી. લોકોએ કુમ કુમ ચાંદલાઓ અને પૂજા કરી રામશીલા અયોધ્યા મોકલી હતી ત્યાં તો કૂતરાઓ પેશાબ કરતા હતા. રામના નામે રૂપિયા ઉઘારવાનારા લોકો રૂપિયા હવામાં ઉછાળી એવું કહેતા હતા કે જે રૂપિયા રામને રાખવા હોય તે રાખે બાકી આપણે રાખીએ. જે લોકો રામને છેતરી શકે છે તે આપણને કેમ ના છેતરી શકે? ભાજપે રામ મંદિરના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ ભાજપે ના આપ્યો. સરકારે મંદિર માટે બજેટ આપ્યું છે, છતાં ફરીવાર રૂપિયા ઉઘરાવ્યાં હતા. ભાજપે રામના નામે છેતરી કાઢ્યા છે. ભાજપે રામનો ઉપયોગ રાજનીતિ કરવા માટે કર્યો છે. ભરતાસિંહ સોલંકીના આવા વિવાદિત નિવેદનથી ખળભળાટ મચ્યો છે. દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દીક પટેલે પલટવાર કરતા ટ્વિટ કરીને લખ્યું, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છ. હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ નિવેદન આપ્યું છે કે રામ મંદિરની ઈંટો પર કૂતરા પેશાબ કરે છે.દરમિયાન ભરતાસિંહ સોલંકીએ ઓબીસી સંમેલનમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, માધવાસિંહ સોલંકીને કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓબીસી સમાજના લોકોને નેતૃત્વ આપ્યું તો એ સમાજને નેતૃત્વને બળ આપવું પડશે. આહિંયાથી શરૂઆત કરીએ છીએ અને એવી શરૂઆત કરીએ કે સામેવાળાને ખબર પડે. જો હિન્દુ સમ્રાટ અને હિન્દુની વાત કરતા હોય તો ઓબીસી અને આદિવાસી હિન્દુ નથી? આ લોકો હિન્દુઓમાં ભાગલા પડાવે છે.