ઘઉંની નિકાસ ઉપર રાતોરાત પ્રતિબંધથી ઉચાટ

નવી દિલ્હી, તા. 14 : વધતા ભાવોને અંકુશમાં લાવવાના હેતુથી કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આકરાં તાપને પગલે ઘઉંના ઉત્પાદનને અસર પહોંચે તેવી ચિંતાઓ વચ્ચે સરકારે આ પગલું ભર્યું છે. ફોરેન ટ્રેડના ડાયરેક્ટર જનરલ (ડીજીએફટી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નિર્ણયથી છેલ્લા એક વર્ષમાં જેમાં 14થી 20 ટકાનો મોટો ભાવવધારો થયો છે, ઘઉં અને લોટની કિંમત પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે જો કે, જે દેશોને અગાઉ જ નિકાસની અનુમતિ આપી દેવાઈ છે તેમને નિકાસ જારી રહેશે. ઘઉંની નિકાસ પર રોકના 13મી મેના જાહેરનામા પૂર્વે નિકાસના પુરવઠા માટે લેટર ઓફ ક્રેડિટ જારી થઈ ગયા હોય તેને પણ છૂટ રહેશે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રનાં નિર્ણયને કોંગ્રેસે ખેડૂત વિરોધી ગણાવ્યો છે. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે, નિકાસથી કિસાનોને સારી આવક થઇ શકત, પરંતુ સરકાર આવું ઇચ્છતી નથી. આ જ કારણોસર તેમણે આ ખેડૂત વિરોધી પગલું ઉઠાવ્યું છે. ઉદયપુરમાં ચિંતન શિબિરના બીજા દિવસે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન ચિદમ્બરમે કહ્યું કે, મને લાગે છે કે કેન્દ્ર સરકાર પૂરતા પ્રમાણમાં ઘઉં ખરીદી શકી નહીં. આ જ કારણથી તેમણે નિકાસ પર પ્રતિબંધ?મૂક્યો છે. ઘઉંનું ઉત્પાદન ઓછું થયું નથી પણ વધ્યું જ છે. જો ખરીદી થઇ હોત તો ઘઉંની નિકાસ પર રોક લગાવવાની જરૂર પડત નહીં. - દીનદયાળ મહાબંદરે અગ્રતાક્રમે ચાલતું લોડિંગ ખોરવાયું : અદ્વૈત અંજારિયા દ્વારા ગાંધીધામ, તા. 14 : રશિયા અને યુક્રેનનાં યુદ્ધને પગલે આ બે રાષ્ટ્રમાંથી જીવનજરૂરી ચીજો મેળવતાં રાષ્ટ્રો પૈકી ઘણાએ ખાસ તો ભારતીય ઘઉં ઉપર પસંદગી ઉતારતાં છેલ્લા એક-દોઢ મહિનાથી ઘઉંની વ્યાપક નિકાસ શરૂ થઇ હતી. ગઇરાત્રે કેન્દ્ર સરકારે અચાનક ઘઉંની નિકાસ પ્રતિબંધિત કરી દેતાં હડકંપ મચી ગયો છે. ભારતીય બજારમાં ઘઉંના ભાવ ઉંચકાતાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ફેડે આ પ્રતિબંધ મુક્યો છે. બીજી બાજુ આ પગલાંથી દેશનાં અગ્રણી મહાબંદર કંડલા ખાતે બંદર વપરાશકારોને ધક્કો પહોંચતાં ચકચાર પ્રસરી છે. આ સંકુલનાં વ્યાપારજગત અને આયાત-નિકાસ સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતમાં ઘઉંનું વિક્રમી ઉત્પાદન થયું છે. આ ઉત્પાદનની સામે નિકાસનો આંક ખૂબ જ મામૂલી છે. આટલી નિકાસથી સ્ટોક ઘટે નહીં અને તેને કારણે કોઇ ભાવ વધી શકે નહીં. ભારતીય વ્યાપારીઓ-ખેડૂતોને માટે આ મોટી તક હતી, જે પ્રતિબંધને લઇને વેડફાઇ જશે.ડી.જી.એફ.ટી.એ ગઇકાલે રાત્રે એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેમાં ગઇકાલ સુધી જેમના કરાર હતા (એલ.સી.) તેવા વ્યવહારો અટકાવાશે નહીં તેવું સ્પષ્ટ કરાયું છે. પરંતુ કંડલા બંદરે આજે સવારથી જ એલ.સી. હોવા છતાં લોડિંગ અટકાવી દેવાતાં વપરાશકારોમાં ભારે નારાજગી પ્રવર્તી હતી. કસ્ટમ કમિશનર સાથે આ અંગે બેઠકો યોજવાની શરૂ થઇ હતી.અત્યાર સુધી મહાબંદરે અગ્રતાના ધોરણે નિકાસી ઘઉંનું વ્યાપક લોડિંગ થયું હતું અને રોજના લગભગ સાતેક જહાજો તે માટે લાંગરતાં હતાં. છેલ્લા બે મહિનામાં કંડલા બંદરેથી 1.20 મિ. મેટ્રીક ટન જ્યારે ગત વર્ષમાં 3.50 મિ. મેટ્રીક ટન ઘઉંની નિકાસ થઇ છે. જે વિક્રમી ગણી શકાય. મહાબંદરે નિકાસ માટે આવતા?ઘઉં ખુલ્લામાં 34 હેક્ટર અને 25 હેક્ટરના બે વિશાળ પ્લોટમાં સંગ્રહ કરાય છે. દરમ્યાન કસ્ટમ હાઉસ એજન્ટ્સના સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે ગઇરાત્રે ડીજીએફટીનો પરિપત્ર આવતાં જ આજે સવારથી જ કસ્ટમ તંત્રે મંજૂરી લટકાવી દીધી હતી. એજન્ટોએ 13મી સુધીની એલ.સી. સહિતના દસ્તાવેજો આપી દીધા હોવા છતાંય નિકાસને લીલીઝંડી નહીં મળતાં સવારથી લોડિંગ લટકી પડયું છે. આજે મોડી સાંજ સુધી મંજૂરી મળવાની શક્યતા છે.આમ ડીજીએફટીના રાતોરાત આવી પડેલા પ્રતિબંધે એકતરફ સરકારી બંદરનો ધંધો છીનવી લીધો છે તો બીજી તરફ આયાત-નિકાસકારો, ખેડૂતોને પણ મુશ્કેલીમાં મુકી દીધા છે તેવી ચર્ચા થઇ રહી છે.- પરિવહન-ગોદામ ભાડાંમાં મોટું નુકસાન થશે : અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા મુંદરા, તા. 14 : ગત રાત્રિથી ઘઉંની નિકાસ ઉપર એક જ ઝાટકે પ્રતિબંધ?મૂકી દેવામાં આવ્યો છે, પરિણામે અનેક પ્રશ્નો એકીસાથે ખડા થયા છે. કંડલા-મુંદરા ઉપરાંત દેશનાં તમામ બંદરો ઉપરથી છેલ્લા કેટલાક સમયથી દૈનિક હજારો ટન ઘઉંની નિકાસ થતી હતી તેના ઉપર કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડીને નિકાસને પ્રતિબંધિત જાહેર કરી છે. દેશની ઘઉંની બજાર ઉપર સીધી અસર પહોંચાડતી આ ઘટનાની વિગતો આપતાં ટ્રેડ સાથે સંકળાયેલા લોકો જણાવે છે કે, યુક્રેન-રશિયા લડાઇના કારણે આ દેશોમાંથી ઘઉંની નિકાસ બંધ?થઇ. પરિણામે ઘઉંના ભાવ 40 ટકા ઊંચકાયા. બદલાયેલાં સમીકરણોનાં અનુસંધાને ભારતે ઘઉંની નિકાસનો છૂટોદોર આપ્યો. ઘઉંની નિકાસ સતત વધતી ગઇ. માત્ર?કંડલા અને મુંદરાથી દૈનિક 15 હજાર મે. ટન ઘઉંની નિકાસ થવા લાગી. ઘઉંની ખરીદી માટે મુંદરા આવતી સ્ટીમરોની પણ લાઇનો લાગતી રહી. ઉપરાંત કંડલા અને મુંદરાના સરકારી અને ખાનગી ગોડાઉનોમાં દિવસ-રાત ઘઉંનો જથ્થો ઠલવાતો રહ્યો. ખાનગી ગોડાઉનનું પ્રતિ 1 ફૂટે ભાડું 5થી 6 રૂા. હતું એ ભાડું 10થી 11 રૂા. થઇ ગયું. પંજાબ અને હરિયાણાથી ટ્રક અને વેગન દ્વારા ઘઉંની આયાત કંડલા-મુંદરા બંદરે થતી રહી. વેગનમાં પણ એડવાન્સ બુકિંગ શરૂ થયું. કેન્દ્ર સરકારનાં નોટિફિકેશનમાં એમ જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિકના જે વેપારીઓએ નિકાસના જે સોદા કાયદેસરના કરી નાખ્યા છે તેટલા જથ્થાની તે પાર્ટીને નિકાસની છૂટ આપવામાં આવશે. ઉપરાંત કોઇ?દેશના ભૂખમરા જેવાં કારણે ઘઉંની નિકાસ કરવી પડે તો તેવી નિકાસ કરી શકાશે. એપ્રિલ-22માં ભારતે 1.4 મિલિયન મે. ટન ઘઉં નિકાસ કર્યા હતા. સૂત્રો સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે, અત્યારનાં હીટવેવનાં કારણે પંજાબ-હરિયાણા સહિતના વિસ્તારોમાં ઘઉંનો પાક બળી જવા પામ્યો છે. એટલે કે, ઘઉંનું ઉત્પાદન ખૂબ ઓછું થવાની શક્યતા છે. બીજું કારણ છે ઘરઆંગણે ફુગાવો વધવાની શક્યતા.. જેને અંકુશમાં રાખવા માટે ઘઉંની નિકાસ બંધ?કરવામાં આવી હોય. ઉપરાંત સ્થાનિકે ખાદ્ય અનાજનો બફર સ્ટોક રાખવાની પણ ગણતરી હોવાનું સૂત્રો જણાવે છે. ઘઉંની નિકાસ બંધ થવાનાં કારણે અન્ય સંખ્યાબંધ?પ્રશ્નો ઊભા થયા છે. પંજાબ અને હરિયાણા સહિતના વિસ્તારોમાંથી કંડલા કે મુંદરા કાં તો ઘઉં આવી ગયા છે અથવા રસ્તામાં છે. આ ઘઉંને પરત લઇ જવાનું ભાડું પોષાય તેમ નથી, જેથી સ્થાનિકે જ ઘઉંનું વેચાણ કરવું પડે. જો આમ થાય તો ઘઉંની બજાર તૂટે. ગોડાઉન ભાડાંનું ડેમરેજ અટકાવવા માટે ઘઉં સ્થાનિકે વેચવા પડે. ઘઉંની નિકાસનાં કારણે ગોડાઉન ભાડાંમાં મોટો ઉછાળો આવ્યો. જે ગોડાઉનનો પ્રતિ 1 ફૂટનો ભાવ 5થી 6 રૂા. હતો તે વધીને 10થી 12?રૂા. થયો. ગોડાઉનની સતત જરૂરિયાતે ધ્રબ અને ઝરપરાના દક્ષિણ ભાગમાં સેંકડો એકરમાં ગોડાઉન બની ગયાં અને બની રહ્યાં છે. ગોડાઉનની માસિક તગડી આવકને અંકે કરવા બેંક લોને બૂસ્ટર ડોઝ આપ્યો. નાનાં ગોડાઉનથી માંડીને ફૂટબોલનાં ગ્રાઉન્ડ જેટલાં ગોડાઉન મુંદરા અને તેની આસપાસ અસ્તિત્ત્વમાં આવ્યાં. ગોડાઉન બનાવવાની પ્રવૃત્તિ એટલી જોરશોરથી ચાલી છે, ગોડાઉન ઉપર નાખવાનાં પતરાંમાં વેઇટિંગ લિસ્ટ બન્યું. ઘઉંની નિકાસ બંધ?થવાથી પંજાબ અને હરિયાણા તરફથી આવતી બંગલા બોડી ટ્રકો પણ રસ્તા ઉપરથી દૂર થશે. ટ્રક માલિકોને ભાડાંની આવક ઉપર પણ અસર પહોંચશે. સૂત્રો એમ જણાવે છે કે, સ્થાનિકે ઘઉંની ખરીદી મોટાભાગની ગૃહિણીઓએ એપ્રિલના એન્ડ સુધીમાં કરી લીધી છે. નિકાસ બંધ થવાથી ઘઉંની કિંમત ઘટશે, પણ?તેનો લાભ સ્થાનિકને ઓછો થશે. કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ તાત્કાલિક અસરથી બંધ કરી નાખી છે. જે પાર્ટીના એલ.સી. જારી થઇ ચુક્યાં છે તે તેટલા જ જથ્થાની નિકાસ કરી શકશે. અત્રે નોંધવું જરૂરી છે કે, ઘઉં કન્ટેનર મારફતે અને સ્ટીમરમાં ખુલ્લા કાર્ગો તરીકે નિકાસ થતા હતા.