સનદી સેવામાં સફળ થઈ વતનને ઉપયોગી બનજો

સનદી સેવામાં સફળ થઈ વતનને ઉપયોગી બનજો
ભુજ, તા. 14 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે જૈન અભ્યાસ કેન્દ્ર અને આઇએએસ તાલીમ કેન્દ્રનો આરંભ એ દૂરંદેશીભર્યો નિર્ણય છે અને કચ્છના યુવાનો માત્ર વ્યાપાર, ઉદ્યોગ જ નહીં, સરકારી સનદી સેવામાં પણ આ તકનો લાભ લઇ સફળ બનીને વતનમાં ઉપયોગી બને તેવી હાકલ અને અપેક્ષા આજે કચ્છ આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષે તેમના પ્રથમ કાર્યક્રમમાં કરી હતી.કચ્છ યુનિવર્સિટીના પટાંગણમાં ખડા કરાયેલા વિશાળ ડોમમાં ગામે ગામથી ઉપસ્થિત ખીચોખીચ હાજરી વચ્ચે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ અને સમસ્ત જૈન સંઘ?આયોજીત સમારોહમાં તપગચ્છાધિપતિ શ્રી મનોહરકીર્તિસાગરસૂરિશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઇ કલ્યાણજી ગાંધી આઇએએસ તાલીમ કેન્દ્રનું શ્રી પાટિલના હસ્તે લોકાર્પણ કરાયું હતું તેમજ કચ્છભરના ગામોને પહોંચાડવા માટે 108 ગાડી ઘાસનું વિતરણ, પશુ એમ્બ્યુલન્સની અર્પણવિધિ તેમજ અદાણી ફાઉન્ડેશનના સહયોગથી જરૂરિયાતમંદોને 740 સુપોષિત કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે ભાજપ પ્રદેશ વડાના 92 કિલો વજન મુજબ જૈન સમાજે ચાંદીની પાટોથી રજતતુલા કરીને આ નાણાંનો સેવાકાર્યો માટે ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. નિર્ધારિત સમયથી  લગભગ 3 કલાક મોડા પહોંચેલા શ્રી પાટિલે તેમના સંબોધનમાં કચ્છીજનોનો વતનપ્રેમ અને ધરતીકંપ પછીની ઝડપી પુન:વસન કામગીરીનાં ઉલ્લેખ સાથે કહ્યું કે, દુનિયાના કોઇપણ ખૂણે હોય જરૂરપડયે પહોંચી આવે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ  સંસ્થાઓ સાથે બેઠક યોજી તેમાં જૈન આગેવાનોએ  દર્શાવેલી પુન:વસનની તૈયારીને સરકાર વતી ઝડપી નિર્ણયો સાથે સહકાર આપ્યો હતો. આજે કચ્છ દોડતું થઇ ગયું છે. જૈન સમાજની  કુપોષિત બાળકોને કિટ વિતરણ અને ગાયોને નીરણની સેવા બદલ અભિનંદન આપતાં જોકે, શ્રી પાટિલે સાથે એવી ટકોર પણ કરી હતી કે,  આટલી કિટો દેવી પૂરતી નથી, ભાજપ કાર્યાલયમાંથી સરનામું લઇ?આવો અને 3 મહિના સુધી દત્તક લઇ કુપોષિત બાળકને ફળ-દૂધ કંઇપણ આપી સુપોષિત બનાવો. સમૃદ્ધ ગુજરાતમાં કોઇ કુપોષિત ન રહેવું જોઇએ. આ ઉપરાંત તેમણે મહામારીમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રસી, રાશન વિતરણ જેવા કાર્યોની પ્રશંસા કરતાં તેમના કચ્છપ્રેમની વાત કરી કે, વડાપ્રધાને 94 વખત કચ્છની મુલાકાત લીધી છે અને દેશમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી-વડાપ્રધાન પદેથી અહીં પ્રવાસ કર્યે છે.આ પહેલાં વિધાનસભાના અધ્યક્ષા?ડો. નીમાબેન આચાર્યએ કાર્યક્રમને ભાજપ તેમજ સમસ્ત જૈન સમાજ માટે ઉત્સવ ગણાવીને કહ્યું કે, જૈન સ્ટડી તેમજ તાલીમ કેન્દ્રના આરંભ બદલ યુનિવર્સિટી અભિનંદનને પાત્ર છે. અત્યાર સુધી આ પ્રકારની તાલીમ માટે યુવાનોને કચ્છ બહાર જવું પડતું હતું. બીજું ગુજરાત સરકારે કચ્છ માટે ક્યારેય પાછીપાની નથી કરી, નર્મદા નીરનું સપનું પૂરું કર્યું છે. મૂંગા પશુઓની સેવા માત્ર આજની 108 ગાડીથી પૂર્ણ ન થાય બલ્કે, જે ગામમાંથી માગણી આવે, પૂર્ણ કરવાનું જૈન સમાજ યથાવત રાખે એવી અપીલ પણ તેમણે કરી હતી.આ પહેલાં, અભ્યાસક્રમોમાં આર્થિક સહયોગી શ્રીમદ્ આચાર્ય બુદ્ધિસાગરસૂરિશ્વરજી સમાધિ ટ્રસ્ટના મોભી મેહુલ ગાંધી કહ્યું કે, આવા કોર્ષનો આરંભ કરવાનો વિચાર એક વર્ષ પહેલાંથી હતો, પરંતુ હવે આ કાર્ય સફળ બન્યું તેમાં યુનિવર્સિટીનો સહયોગ ધન્યવાદને પાત્ર છે. હવે જૈન ધર્મના સિદ્ધાંતો  વિસ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચશે તેવી આશા છે. પ્રારંભમાં, તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના પ્રમુખ હિતેશ ખંડોરે આ પ્રસંગને કચ્છ માટે ઐતિહાસિક અવસર ગણાવીને શ્રી પાટિલ તેમજ સમગ્ર અતિથિગણને હર્ષભેર આવકાર આપ્યો હતો, સાથે થઇ રહેલા સેવાકાર્યની વિગત આપી હતી અને રજતતુલામાં યોગદાન બદલ સમસ્ત જૈન સમાજના શ્રેષ્ઠીઓનો આભાર માન્યો હતો. આગમન સાથે શ્રી પાટિલનું જૈન સમાજે કચ્છી શાલ, પાઘ, અષ્ટમંગલ તેમજ જૈન શાસન ધ્વજથી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં મંચ પર કચ્છના પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલા,  સાંસદ વિનોદ ચાવડા, કચ્છ યુનિ.ના કુલપતિ પ્રા. ડો. જયરાજસિંહ જાડેજા, પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા, જિ.પં. અધ્યક્ષા પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર, ભાજપ સંગઠનના કચ્છના પ્રભારી હિતેશ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, જૈન સાત સંઘના પ્રમુખો તેમજ પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહ, સર્વ સેવા સંઘ પ્રમુખ જીગર છેડા, ફોકીઆના એમ.ડી. નિમિષ ફડકે, સ્મિત ઝવેરી, ભરત મહેતા, ભરત શાહ, તેજાભાઇ કાનગડ, વિનોદ મહેતા, કૌશલ મહેતા, કાનજીભાઇ કાપડી, કિશોર મકવાણા,પી. સી. શાહ, જાગૃતિબેન શાહ, વાડીલાલ દોશી, મધુભાઇ સંઘવી વિગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer