જાતિને બદલે કામના સમીકરણો પર ભાર દેવા શીખ

જાતિને બદલે કામના સમીકરણો પર ભાર દેવા શીખ
ભુજ, 14 : કાર્યકર્તાઓના સહયોગ સાથે બનેલું કાર્યાલય સમાજમાં માન વધારે છે. જાતિના સમીકરણોને બદલે કામના સમીકરણોની વાત કરવા જણાવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ  પાટિલે ઉપસ્થિત હજારો કાર્યકર્તાઓને સંબોધતાં જણાવી ઉમેર્યું કે, ટિકિટ જોતી હશે તો સક્રિય સદસ્ય હોવું જરૂરી છે, પણ તે પહેલાં પેજ સમિતિના સભ્ય હોવું અનિવાર્ય છે. કચ્છ કમલમ ખાતમુહૂર્ત પ્રસંગે ભુજના ટાઉનહોલ ખાતે કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિતોને સંબોધતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલે ઉપર્યુકત જણાવી ઉમેર્યું કે, કાર્યાલય એટલે કાર્યને લયમાં લાવવાનું સ્થળ. આ કાર્યાલય પર તમામ કાર્યકર્તાઓનો હક્ક છે અને ગમે ત્યારે અહીં આવી-બેસી શકે છે. પેજ કમિટીનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, અબડાસાથી પ્રથમ પ્રયોગ કર્યો અને તેના પગલે વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલી બેઠક પર ભાજપને જીત મળી. પણ, કાર્યકર્તાઓની મહેનતથી હવે આ બેઠક કોંગ્રેસ ક્યારેય નહીં જીતી શકે તેમ ઉમેર્યું હતું. પેજ સમિતિ સાથોસાથ 100 પ્રકારના કામનો ડેટા અપડેટ કર્યો હોવાનું કહી શ્રી પાટિલે ઉમેર્યું કે, લોકોની જરૂરિયાત સમજી તેમને જે જોઈએ છે તે આપી  સંતોષ આપવા કહ્યું હતું. હાલે સોશિયલ મીડિયાનો વધારેમાં વધારે ઉપયોગ કરવા ઉપસ્થિતોને અપીલ કરી હતી.  ગુજરાતમાં મહાઠગ આવી રહ્યો છે તેમ કહી મોકો મળે ત્યારે મહાઠગથી સાવધાનની લાઈન સોશિયલ મીડિયા પર લખવા ઉપસ્થિત સૌને શ્રી પાટિલે અપીલ કરી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલ કાર્યકર્તાઓને કેન્દ્રસ્થાને રાખતા હોવાનું કહી પેજ કમિટીનું કામ પૂર્ણ થવા ભણી હોવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. નૂતન કાર્યાલયમાં નાના-મોટા તમામ કાર્યકર્તાઓને સહયોગ આપવા અપીલ કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં છએ છ સીટ જીતવાની શ્રી પાટિલને ખાતરી આપી હતી. પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ કચ્છ એ ભાજપનું કેન્દ્રબિંદુ હોવાનું જણાવ્યું હતું. સ્વાગત પ્રવચન કરતાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે સૌને આવકારી જણાવ્યું કે, નવું કાર્યાલય 1200 વારમાં 14000 ફૂટ બાંધકામ સાથે તૈયાર થશે. કચ્છમાં થયેલી પેજ કમિટીની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, હિતેશભાઈ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશભાઈ ત્રિવેદી મંચસ્થ રહ્યા હતા. શ્રી પાટિલે કેબિનેટમંત્રી શ્રી ત્રિવેદીએ કરેલી કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમના પ્રારંભે મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટય બાદ શ્રી પાટિલનું સન્માન કરાયું હતું. સંચાલન જિલ્લા મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ તથા આભારવિધિ સરહદ ડેરીના ચેરમેન  વલમજીભાઈ હુંબલે કરી હતી. ટાઉનહોલના મેદાનમાં એક ખાસ ગેલેરી તૈયાર કરાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છ કેટલીવાર આવ્યા અને આ જિલ્લા  માટે શું-શું  જાહેરાતો કરી તેની વિગતો સમાવાઈ હતી. - કોંગ્રેસ-આપના સભ્યો, વેપારીઓએ ભાજપનો ખેસ પહેર્યો : ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રસના યુવા નેતા રવીન્દ્ર ત્રવાડી તેમજ જિતેન્દ્રભાઈ, દિલીપભાઈ, મહેન્દ્રભાઈ, આશિષભાઈ, કુલદીપભાઈ, જિગર જેઠી, નિશાંત ઠક્કર, માવજીભાઈ, આપમાંથી ચિરાગભાઈ, વિપુલ પટેલ, ધર્મેન્દ્ર દેત્રોજા સહિત ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાં પ્રદેશ મંત્રી પદ સુધી પહોંચેલા રવીન્દ્ર ત્રવાડીને  શ્રી પાટિલે ખેસ પહેરાવ્યો હતો. એ પહેલાં તેમણે કોંગ્રેસના સક્રિય સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું.- દિનેશ ત્રિવેદીની  ખાસ નોંધ લેવાઇ : ભુજ, તા. 14 : ટાઉનહોલ ખાતે કચ્છ ભાજપના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત પૂર્વ રેલવેમંત્રી કચ્છી માડુ દિનેશભાઇ ત્રિવેદીની સી.આર. પાટિલે એમ કહેતાં વિશેષ નોંધ લીધી હતી કે,  રેલવેમંત્રી તરીકે લાલુપ્રસાદ યાદવ સહિતના નેતાઓની કામગીરી યાદ કરાય છે, પરંતુ શ્રી ત્રિવેદી દેશહિતમાં નિર્ણય લેનારા રેલવેમંત્રી હતા. તેમણે આગામી સમયમાં પક્ષ દ્વારા દિનેશભાઇની સેવાઓ લેવાશે એવો સંકેત આપ્યો હતો. - કચ્છ કમલમ્ના નિર્માણમાં સહયોગ આપનારા દાતાઓ : સાંસદ વિનોદભાઈ ચાવડા-51 લાખ, ધારાસભ્યો વાસણભાઈ આહીર-51 લાખ, વીરેન્દ્રસિંહ જાડેજા-51 લાખ, પ્રદ્યુમનસિંહ જાડેજા-11 લાખ, માલતીબેન મહેશ્વરી-11 લાખ, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ-5.50 લાખ, જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા- 5 લાખ, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા-5.51 લાખ,  ધવલ ઠક્કર-25 લાખ, રણવીર સોલંકી-બે લાખ, શામજીભાઈ આહીર-25.51 લાખ, ત્રિભુવન સિંઘવી-21 લાખ, હમીરભાઈ ચાવડા- 21 લાખ, પંકજ ઠક્કર-15 લાખ, મહેશભાઈ-હેમંતભાઈ 11 લાખ, દાનાભાઈ વાવિયા-11 લાખ, અંબાવીભાઈ પટેલ-11 લાખ, ભાવેશભાઈ-11 લાખ,  અંબાવીભાઈ વાવિયા-11 લાખ, વિનુદાન ગઢવી-5.51 લાખ, ભુજ સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર-5 લાખ, કારોબારી ચેરમેન જગત (જલધિ) વ્યાસ-11 લાખ, દેવાંગભાઈ દવે- 5 લાખ, જિગર છેડા-5 લાખ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી-5 લાખ, વલમજીભાઈ હુંબલ-5 લાખ, અનિરુદ્ધ દવે-5 લાખ, મુકેશ ચંદે-5 લાખ, પૂનમબેન જાટ-5 લાખ સહિત દાતાઓનાં નામોની જાહેરાત શ્રી પાટિલે કરી હતી.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer