ભુજ પુષ્કર્ણા બ્રાહ્મણ મહાસ્થાનનાં સમૂહલગ્નમાં સાત યુગલ લગ્નજીવનનાં પવિત્ર બંધને બંધાયાં

ભુજ, તા. 14 : નજીકના યક્ષમંદિર માધાપર ખાતે પુષ્કર્ણા મહાસ્થાનના સાતમી વખત સમૂહલગ્નમાં સાત યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં અને 34 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યાં હતાં.આ પ્રસંગે નારાયણસરોવર જાગીરના અધ્યક્ષ સોનલ લાલજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. લાલજીભાઇ આહીર, અરજણભાઇ રબારી, મનોજભાઇ સી. હર્ષ, અમન કન્સ્ટ્રેક્શન-ભુજએ મુખ્ય દાતા તરીકે સહયોગ આપ્યો હતો. સહયોગી દાતા તરીકે ખરાશંકર પી. કેવડિયા-વાયોરવાળા અને પૂજા ફલાવર્સના ધર્મેશભાઇ ઢાંકી રહ્યા હતા. જ્ઞાતિના પ્રમુખ મનોજભાઇ કેવડિયાએ કહ્યું કે, આ વખતે જ્ઞાતિના તમામ લોકોનો સાથ-સહકાર અભૂતપૂર્વ હતો અને 140થી વધુ દાતાઓના સહયોગને કારણે સમૂહલગ્ન જેવું કાર્ય સંપન્ન થયું છે. કચ્છ જિલ્લા પરશુરામ સેનાના પ્રમુખ અજયભાઇ જોષીએ તમામ દાતા અને કાર્યકર્તાઓને બિરદાવતાં આગામી સમૂહલગ્નમાં પણ આવો જ સહયોગ મળતો રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પુષ્કર્ણા જ્ઞાતિના આગેવાનો, વડીલો તેમજ તમામ તાલુકાના મહાસ્થાનના પ્રમુખ સાથે કચ્છ જિલ્લા પુષ્કર્ણા સમાજના પ્રમુખ શૈલેશભાઇ હર્ષ (અંજાર) પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્નના મુખ્ય આચાર્ય તરીકે દેવકૃષ્ણ વાસુ (માતાના મઢ) રહ્યા હતા. ભુજ પુષ્કર્ણા બ્રાહ્મણ મહાસ્થાન, વિદ્યોતેજક મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ અને યુવતી મંડળના પ્રમુખો પોતાની ટીમ સાથે જહેમત ઉઠાવી હતી. રામભાઈ તુલસીદાસ કેવડિયાએ આભારવિધિ કરી હતી.