જીત સાથે કોલકાતાની પ્લેઓફ આશા જીવંત

મુંબઇ, તા. 14 : `કરો યા મરો' સમાન મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 54 રનના વિશાળ અંતરથી હરાવી પ્લેઓફમાં પહોંચવાની દાવેદારી જીવંત રાખી હતી. કેરેબિયન ઓલ રાઉન્ડર આંદ્રે રસેલ કોલકાતા માટે આ જીતનો ઘડવૈયો પુરવાર થયો હતો. તેણે કોલકાતા માટે બેટ વડે 28 દડામાં 49 રન બનાવ્યા હતા, જેને કારણે ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવી શકી હતી. બાદમાં બોલિંગ વડે ત્રણ મહત્ત્વની વિકેટ પણ ખેરવી હતી. હૈદરાબાદની ગાડી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 123 રને અટકી ગઇ હતી.આજની મેચ સાથે કોલકાતાના 13 મેચમાં 12 પોઇન્ટ થયા હતા. પ્લેઓફ માટે હવે તેણે તેની અંતિમ લીગ મેચ જીતવી પડશે. તે સાથે અન્ય મેચના પરિણામ પણ પોતાના પક્ષમાં લાવવાં પડશે. બીજી તરફ સનરાઇઝર્સ પણ પ્લેઓફની દોડમાં છે, તેના 12 મેચમાં 10 પોઇન્ટ છે. તેણે પણ અંતિમ બંને મેચમાં જીત સાથે અન્ય મેચોનાં પરિણામ તેને અનુકૂળ આવવાની જરૂરત પડશે.177ના જુમલાનો પીછો કરવામાં હૈદરાબાદ હાંફી ગઇ હતી. અણીના સમયે તેના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. વિલિયમસન (9), રાહુલ ત્રિપાઠી (9), પૂરન (2), વોશિંગ્ટન સુંદર (4), શશાંકસિંહ (11), જેનસન (1), ભુવનેશ્વર કુમાર (6 અણનમ) અને ઉમરાન મલિક (3 અણનમ), મોટો જુમલો નોંધાવી શકયા ન હતા. માત્ર અભિષેક શર્માએ બોલરોનો સામનો કર્યો હતો અને 28 દડામાં 43 રન ઝૂડયા હતા. માર્કરમે પણ 32 રન કર્યા હતા. કોલકાતાના બોલર છવાયા હતા. આંદ્રે રસેલે 22 રનમાં 3 વિકેટ ખેરવી હતી, તો સાઉધી (23 રનમાં બે), નારાયણ (34માં 1), ઉમેશ યાદવ (19માં 1) અને વરુણ ચક્રવર્તી (25માં 1) અન્ય સફળ બોલર રહ્યા હતા. અગાઉ કોલકાતાએ પહેલા બેટિંગ કરતા આંદ્રે રસેલના તોફાની 49 રનની મદદથી હૈદરાબાદ સામે 177 રનનો સ્કોર કર્યો હતો.   વેંકટેશ અય્યર બીજી ઓવરમાં માત્ર સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે બાદમાં અજિંક્ય રહાણે અને નીતિશ રાણાએ બાજી સંભાળી હતી. તેવામાં આઠમી ઓવરમાં ઉમરાન મલિક ત્રાટક્યો હતો. ઓવરના ત્રીજા બોલે ઉમરાને નીતિશ રાણાએ 26 રનના અંગત સ્કોરે આઉટ કર્યો હતો. જ્યારે ઓવરના અંતિમ બોલે અજિંક્ય રહાણેને પણ પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. રહાણે 28 રન કરીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર પણ 15 રન જ કરી શક્યો હતો. આ દરમિયાન સેમ બિલિંગ્સે બાજી સંભાળી હતી અને 29 બોલનો સામનો કરતા 34 રન કર્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. અંતિમ ઓવરોમાં આંદ્રે રસેલે તાડબતોડ બેટિંગ કરી હતી અને માત્ર 28 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 49 રન ઝુડયા હતા. જેની મદદથી કોલકાતા 177 રનના સ્કોર સુધી પહોંચ્યું હતું. મેચમાં ભુવનેશ્વર કુમાર, યેનસેન અને ટી નટરાજને એક એક વિકેટ લીધી હતી. જ્યારે ઉમરાન મલિકને ત્રણ વિકેટ મળી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer