આઈપીએલના ફિક્સિંગમાં નાપાક દોરીસંચાર

નવી દિલ્હી, તા.14 : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ વર્ષ 2019માં યોજાયેલી આઈપીએલ વિશે ખળભળાટ સર્જતો ખુલાસો કર્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, આઈપીએલ-2019માં સટ્ટાખોરોના નેટવર્કે પાકિસ્તાનથી મળેલી સૂચનાઓને આધારે મેચોને કથિત ફિક્સ કરી હતી. આ સંદર્ભમાં એક સંદિગ્ધ પાકિસ્તાની સહિત સાત સામે બે અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. એજન્સીએ દેશવ્યાપી તપાસ શરૂ કરી છે અને આ સંદર્ભે દિલ્હી, હૈદરાબાદ, જયપુર અને જોધપુરમાં સાત સ્થળે દરોડા પણ પડાયા હતા. 2010થી રાજસ્થાનમાંથી આ  કૌભાંડનું સંચાલન થતું હતું જ્યારે અન્ય એક 2013થી જારી હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીબીઆઈએ કથિત રીતે મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીના આ મામલામાં ત્રણ જણ પર કેસ દાખલ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલની 2019માં આયોજિત કરાયેલી સિઝનમાં મુંબઈએ ફાઈનલમાં માત્ર એક રને ચેન્નાઈ સુપર કિંગ્સ પર રોમાંચક જીત મેળવી હતી. આઈપીએલ સટ્ટેબાજીમાં પાકિસ્તાનના હાથના સંદર્ભમાં સીબીઆઈએ બે એફઆઈઆર દર્જ કરીને તપાસ શરૂ કરી છે.સીબીઆઈની એફઆઈઆર અનુસાર સ્રોત આધારિત જાણકારી ઉપરથી આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન ઉપરાંત પાકિસ્તાની સહિતના સંદિગ્ધ આરોપી દર્શાવવામાં આવ્યા છે.સીબીઆઈએ જણાવ્યું હતું કે, અમુક ખાસ વ્યક્તિઓના એક નેટવર્ક વિશે જાણવા મળ્યું છે જે દિલ્હીમાં વર્ષ 2019માં આયોજિત આઈપીએલ દરમ્યાન સટ્ટાખોરીમાં સામેલ હતું. આ નેટવર્ક પાકિસ્તાનમાંથી આવતી સૂચનાઓ મુજબ મેચોનાં પરિણામોને પ્રભાવિત કરતું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer