કચ્છના અખાતમાં દુર્લભ ગણાતી `ડુગોંગ'' (દરિયાઇ ગાય) દેખાઇ

માંડવી, તા. 14 : ડુગોંગ એકમાત્ર શાકાહારી દરિયાઈ સસ્તન પ્રાણી છે. જે દરિયાઈ ઘાસ પર સંપૂર્ણપણે નિર્ભર છે. માછીમારીનાં દબાણ અને અન્ય દરિયાકાંઠા વિકાસલક્ષી પ્રવૃત્તિઓનાં પરિણામે ભારતમાં દરિયાઈ ઘાસનાં રહેઠાણોનું અધ:પતન થઈ રહ્યંy છે, તેથી ડુગોંગની વસ્તી ઘટી રહી છે. ડુગોંગ અનુસૂચિ યાદી, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 197ર હેઠળ સુરક્ષિત છે. દરિયાઈ વસવાટો ખાસ કરીને દરિયાઈ ઘાસની જીવસૃષ્ટિ જાળવવામાં તે મૂળભૂત ઈકોલોજિકલ ભૂમિકા ભજવે છે. ર016થી વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા ભારતમાં CAMPA અને MoEFCC સંકલિત સહભાગી અભિગમ દ્વારા આ દુર્લભ દરિયાઈ ગાય પ્રજાતિઓ અને તેનાં રહેઠાણને બચાવવા માટે ભારતીય દરિયાકાંઠે ત્રણ સ્થળોએ : આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ (મન્નાર અને પાલ્ક ખાડીનો અખાત) અને ગુજરાત (કચ્છનો અખાત)માં કામગીરી કરે છે. હાલમાં લગભગ ર00 જીવિત ડુગોંગ ભારતમાં હોવાની શકયતા છે. આમાં ગુજરાતના દરિયાકાંઠે ડુગોંગની વસ્તી ખૂબ ઓછી છે. ગુજરાત વન વિભાગના સહયોગથી વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા (WII) ના ડો. જે. એ. જોનસન અને પોંડિચેરી યુનિવર્સિટીના પ્રોફેસર ડો. કે. શિવકુમારના માર્ગદર્શન હેઠળ સંશોધકો સમીહા પઠાણ, સાગર રાજપુરકર, શિવાની પટેલ, પ્રાચી હટકર, જેમ ક્રિશ્ચિયન અને ઉઝૈર કુરેશીએ ડુગોંગની બાયોલોજીને સમજવા, ડુગોંગનાં રહેઠાણને મોનિટર કરવા અને કચ્છના અખાતમાં આ નોંધપાત્ર પ્રજાતિનાં સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા વગેરે કામગીરી કરે છે. WI ના ડો. જે. એ. જોનસન, પ્રોજેક્ટના મુખ્ય વૈજ્ઞાનિકે માહિતી આપી હતી કે, `હાલના આ ફોટોગ્રાફિક પુરાવા પ્રોત્સાહક પરિણામ છે. CAMPA- ડુગોંગ રિકવરી પ્રોગ્રામ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુ, મન્નાર અને પાલ્કની ખાડીમાં એરિયલ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડુગોંગ અને અન્ય દરિયાઈ સસ્તન પ્રાણીઓની વસ્તી અંદાજ કરવાની ટેકનિક પ્રમાણિત કરવામાં આવી છે. કચ્છના અખાતમાં ડુગોંગના અંદાજ માટે ટૂંક સમયમાં આ ટેકનિકને પ્રમાણિત કરવામાં આવશે.' 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer