અબડાસામાં ઘાસની વિકટ સ્થિતિ થકી પશુઓ સાથે પાલકો પણ ભારે પરેશાન
નલિયા, (અબડાસા), તા. 14 : આ તાલુકામાં પશુધન માટે ઘાસચારાની સમસ્યા સર્જાઇ છે. પશુ માલિકોને પૈસા દેતાં પણ ઘાસચારો મળતો નથી. આવી પરિસ્થિતિમાં સરકારી રાહે રાહત દરે ઘાસ વેચાણની વ્યવસ્થા કરવા માગણી કરાઇ છે.નલિયા જિ.પં.ના સદસ્યા ભાવનાબા જાડેજાએ જિલ્લા કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, અબડાસામાં ઘાસચારાની વિકટ પરિસ્થિતિમાં ઊભી થઇ છે. સીમતળમાં કયાંય ઘાસ નથી. ઘાસના તણખલા માટે ઢોરો સીમમાં ભટકે છે તેમ છતાં તેમને ઘાસ નસીબ થતું નથી.આવી પરિસ્થિતિમાં સરકારી રાહે ઘાસ વિતરણની વ્યવસ્થા ગોઠવાય તેવી માગણી કરતાં તેમણે પત્રમાં ઉમેર્યું હતું કે, રાયધણઝર જંગલખાતાનાં ગોડાઉનમાં ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે આ જથ્થો અબડાસામાં રાહત દરે વેચાણમાં મૂકવા પત્રમાં તેમણે રજૂઆત કરી હતી.