ચાડવા રખાલમાં મહામાયા પ્રતિષ્ઠા સંપન્ન

ભુજ, તા. 13 : કચ્છના રાજ પરિવારના મોભી સદગત પ્રાગમલજી ત્રીજાએ સેવેલા સ્વપ્ન મુજબ રાજવી પરિવાર દ્વારા તાલુકામાં સામત્રા નજીક ચાડવા રખાલ ખાતે નિર્માણ કરાયેલા મહામાયા મંદિરની આજે મૂર્તિ પ્રતિષ્ઠા ભાવભેર કરાઇ હતી. વિવિધ પ્રદેશના રાજવી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ અને પ્રતિષ્ઠા તથા હવન સહિતની શાત્રોકત વિધિ પૂર્ણ કરાઇ હતી. કચ્છના રાજ પરિવારના મહારાણી પ્રિતીદેવીના મુખ્ય યજમાન પદે આ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. આચાર્ય નવલશંકરભાઇ રાજગોર ગાગોદરવાળાની રાહબરીમાં ભુદેવોએ શાત્રોકત વિધિ સંપન્ન કરાવી હતી. આ નિમિતે યોજાયેલા હવનમાં પ્રિતિદેવી ઉપરાંત કચ્છ રાજના પ્રતિનિધિઓ કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપર ઠાકોર પરિવારના કૃતાર્થસિંહ જાડેજા અને તેરા ઠાકોર પરિવારના મયુરધ્વજસિંહ જાડેજા ઉપરાંત રોહા ઠાકોર પરિવારના પૂષ્પેન્દ્ર સિંહ જાડેજા દ્વારા સજોડે ભાગ લઇ આહુતિ અપાઇ હતી. મહોત્સવના અંતિમ દિવસે હવન સાથે ધ્વજારોહણ વીધિ પણ સંપન્ન કરાઇ હતી. આજના આ કાર્યક્રમમાં રાજય અને રાજય બહારના રાજવી પરિવારના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. રાજ પરિવાર દ્વારા આયોજીત કાર્યક્રમોની આ શ્રુંખલામાં આવતીકાલે ભુજમાં રણજીત વિલાસ પાસે નિર્માણ પામી રહેલા ઉદ્યાન ખાતે પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાનું અનાવરણ કરાશે. કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથે વાત કરતા કુંવર ઇન્દ્રજીતસિંહે જણાવ્યું હતું કે સદગત મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા મહામાયા સહિત પાંચ માતાજી અને અર્ધનારેશ્વર મહાદેવની મૂર્તિઓ સાથેના આ ધાર્મિક સંકુલની કલ્પના કરાઇ હતી. જે આજે પરિપૂર્ણ થઇ છે. કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂષ્પદાનભાઇ ગઢવી, બાબુભાઇ મેઘજી શાહ, જાગૃતિબેન શાહ, હકુમતસિંહ જાડેજા, જોરાવરસિંહભાઇ રાઠોડ, ભરતભાઇ ધોળકીયા, અભિજીત ધોળકીયા, સમિરભાઇ ભટ્ટ, સાવજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જીતેન્દ્ર ધારશી શાહ, બળવંતસિંહ જાડેજા, બહાદુર સિંહ જાડેજા, કરણ સિંહ વાઘેલા, સુષ્માબેન, સંદિપભાઇ, ગાઇડ સંસ્થાના વિજયકુમાર વગેરે ઉપસ્થિત રહયા હતા.રાજ પરિવારના કુમાર મહિપાલાસિંહ, કુમારી વીધિ, આરતીબા જાડેજા, કુમાર હર્ષાદિત્યાસિંહ, કુ. વિશ્વેશ્વરી, કુમાર મૃત્યુંજયાસિંહ, કુમાર અક્ષયરાજ, કુમારી પદમીની, કુમાર અક્ષયરાજ, શ્રીરાજાસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા.