બ્રિટનની મહારાણીનાં આંગણે અને તેમની હાજરીમાં ગવાશે... ઢોલીડા ઢોલ રે વગાડ...

લંડન, તા. 13 : આજથી લંડનના રાજવી પરિવારના મહારાણી એલિઝાબેથને બ્રિટનની ગાદી સંભાળે 70 વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનમ જ્યુબિલી વર્ષ મનાવી રહ્યું છે ત્યારે ચાર દિવસના રંગારંગ કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાત માટે ખાસ કરીને સમાચાર એ છે કે લંડન પેલેસ પ્રિમાઇસીસ એરિયામાં વિન્ડસર કેસલ ખાતે મૂળ કચ્છ નારાણપર હાલે લંડનની સિંગર પ્રીતિ વરસાણી કે જે શાહી પરિવારના ખાસ મહેમાનો અને કુટુંબીજનો અને બ્રિટનની મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં ગુજરાતી ગીત `ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી સે' સાથે ગુજરાતી ગરબો રજૂ કરશે. આ પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં દુનિયાભરના ખ્યાતનામ એક હજાર કલાકારોની વચ્ચે બોલીવૂડના મૂળ ઇન્ડિયન હાલે લંડન એવા ગાયિકા કચ્છના પ્રીતિ વરસાણીની પસંદગી કરવામાં આવી છે, અન્ય એક બોલીવૂડ પ્લબેક સિંગર જાઝ ધામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શાહી પરિવાર તરફથી દુનિયાના ખ્યાતનામ ફેમસ ફોરેનર્સ (ગોરા લોકો)એ આ ગીતને સંગીત આપ્યું છે. છેલ્લા ઘણાં વર્ષોથી લંડનમાં ગુજરાતી સંસ્કૃતિને લઈને યુવાનોમાં ઉદાસીનતા દેખાય છે તેવામાં પ્રીતિ વરસાણી, મ્યુઝિક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક અદાકારા મીરાં સલાટ આ ત્રણે જણાએ 2016માં લંડન ખાતે `રંગીલો ગુજરાત'ના શિર્ષક તળે ગુજરાતમાંથી 60થી 65 ઉમદા કલાકારોને લંડન બોલાવીને ત્યાં ગુજરાતી લોકોને પોતાની સંસ્કૃતિ અને કલાનાં દર્શન કરાવ્યા હતા, ત્યારબાદ નવરાત્રિ તેમજ `સૂર સંગમ' સાથે રહીને અનેક સ્ટેજ પ્રોગ્રામો અને વીડિયો આલ્બમ બનાવીને લંડનના ગુજરાતી સમાજના યંગ જનરેશનને કલા ક્ષેત્રે આગળ લાવવા સતત પ્રયત્નશીલ કાર્ય કરી રહ્યા છે, વિશેષમાં મીડિયા સાથે વાત કરતાં પ્રીતિ વરસાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની કલાના વારસાને જાળવવાના સુંદર પ્રયાસોના ફળસ્વરૂપે બ્રિટન શાહી પરિવાર તરફથી યોજાનાર આ કાર્યક્રમમાં પરફોર્મન્સ આપવા નિમંત્રણ આપવામાં આવેલ, આ કાર્યક્રમને હોસ્ટ હોલીવૂડના સુપરસ્ટાર ટોમ ક્રૂઝ, હેલેન મિરેન કરશે. ગુજરાત માટે એક ગૌરશાળી પળ હશે કે `ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે' આ ગીતને જે રીતે વિદેશી ઓર્કેસ્ટ્રાના કલાકારોએ કમ્પોઝ કર્યું છે, જે રીતે આ ગુજરાતી ગીતને કમ્પોઝ કરવામાં આવ્યું છે તે ગુજરાતી ગીત મહારાણી એલિઝાબેથ, ઉપસ્થિત ખાસ મહેમાનો અને સમગ્ર લંડનના રહેવાસીઓને ચોક્કસ ગમશે તેવું પ્રીતિ વરસાણીએ જણાવ્યું હતું.