આદિપુર પોલીસે શખ્સને ઝડપીને 10 વાહનચોરીનો ભેદ ખોલ્યો

ગાંધીધામ, તા. 13 : પૂર્વ કચ્છમાં હાલમાં વાહનચોરીના બનાવો વધ્યા છે જે અંગે અખબારમાં અહેવાલ આવ્યા બાદ આદિપુર પોલીસે દોડધામ આદરી હતી અને એક શખ્સને પકડી પાડી તેની પાસેથી ચોરીના 10 દ્વિચક્રી વાહન જપ્ત કરવામાં આવ્યાં હતાં. આદિપુર પોલીસે પોતાના મથક તથા અંજાર, ગાંધીધામની ચોરીનો પણ ભેદ ઉકેલી લીધો હતો. આદિપુર, અંજાર, ગાંધીધામમાં છેલ્લા કેટલાક સમયથી વાહનચોરીના બનાવો વધ્યા છે. આદિપુરમાં થયેલી એક બાઇકચોરીના બનાવમાં પોલીસે નેત્રમ (સી.સી.ટી.વી. કેમેરા)ની મદદ લીધી હતી, જેમાં એક શખ્સ વાહનચોરી લઇ જતો હોવાનું જણાયું હતું. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી તુણા-વંડીના તોફિક મહેદ્દીન ચબા નામના શખ્સને પકડી પાડયો હતો. તેની પાસે રહેલાં વાહનની પોકેટ કોપથી તપાસ કરાતાં તે ચોરીનું હોવાનું ખુલ્યું હતું, જેથી આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરાતાં તે ભાંગી પડયો હતો. આ શખ્સ આદિપુર, અંજાર, ગાંધીધામમાં હેન્ડલ લોક વગરના વાહનોની વધુ ચોરી કરતો હતો. આવા વાહનને ડાયરેક્ટ કરી તેને આદિપુર ડી.સી.-પાંચ પાછળ આવેલી બાવળની ઝાડીમાં અલગ-અલગ જગ્યાએ મૂકી આવતો હતો. તેણે અહીં મૂકેલા કુલ્લ 10 વાહનો કબ્જે લેવામાં આવ્યા હતા. અહીંથી 6 બાઇક તથા ચાર એક્ટિવા એમ કુલ્લ રૂા. 2,30,000ના ચોરીનાં વાહનો હસ્તગત કરવામાં આવ્યાં હતાં. આ શખ્સ ચોરીનાં વાહનો કોઇને વેચી નાખે તે પહેલાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. તેમજ પોતાનાં વાહનોને ક્યાંય પણ મૂકતી વખતે તેને હેન્ડલલોક કરવા, તે વાહન સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ આવે તેવી રીતે પાર્ક કરવા, વાહનના કાગળો સાથે રાખવા પોલીસે લોકોને અપીલ કરી હતી. કાગળ વગરનાં વાહનો ન ખરીદવા, અવાવરુ જગ્યાએ બિનવારસુ વાહન જણાય તો પોલીસને જાણ કરવા પણ જણાવાયું હતું. વાહનચોરીના ભેદ ઉકેલવાની આ કામગીરીમાં પી.એસ.આઇ. એચ. એસ. તિવારી સાથે તેમની ટીમ જોડાઇ હતી.