બળદિયા નીચલોવાસ સ્વામિ. મંદિરમાં ઠાકોરજી 3.5 કરોડનાં પારણિયે ઝૂલશે

કેરા (તા. ભુજ), તા. 13 : સમગ્ર કચ્છ સત્સંગના જે ભૂમિ પરથી દીવા પ્રગટયા તેવી બળદિયા કચ્છની ભૂમિ આખેઆખી પ્રસાદી તુલ્ય છે ત્યારે નીચલોવાસ સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીને સુવર્ણ ઝૂલે ઝૂલાવવા હરિભક્તોએ 3.5 કરોડનું સમર્પણ કર્યું છે. મંદિરના વાર્ષિક પાટોત્સવે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીની પ્રેરણાથી કાર્ય આરંભાયું. પ્રમુખ શિવજીભાઈ વેકરિયા, મંત્રી જયેશ વાલાણી તથા ટ્રસ્ટી મંડળે હરિભક્તો સમક્ષ સંતપ્રેરણાએ ટહેલ નાખી હતી. યથાશક્તિ સર્વે ભક્તોએ દાન નોંધાવ્યા હતા તો ઘણાએ ઘરેણા અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સત્સંગી જીવન કથાના યજમાન કે.કે. જેસાણીએ બળદિયાની ભૂમિ શાત્રી ધર્મજીવનદાસજી સ્વામી, પાર્ષદવર્ય શામજી ભગતની કર્મભૂમિ છે, કરસન ગોપાલ જેસાણી જેવા સત્સંગીઓનું સમર્પણ છે. સમગ્ર કચ્છ સત્સંગને એક માળામાં મજબૂત રીતે પરોવનાર વર્તમાન મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીનાં કર્તવ્યને વધાવાયું હતું. ત્રિદિવસીય રાત્રિ કથાનો માહોલ જામ્યો હતો. ઠાકોરજીને સુવર્ણ પારણિયે ઝૂલવવા બળદિયાના દેશ-વિદેશના સત્સંગીજનોમાં ઉત્સાહ છવાયો હતો.