સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને કુરિવાજો દૂર થાય

રતનાલ, તા. 13 : ધાણેટી ખાતે રતનાલ-ડગાળા વઇ પ્રાથળિયા આહીર સમાજની નવનિર્મિત સમાજવાડીનું ખાતમુહૂર્ત-વિધિ સંપન્ન થઇ હતી અને સમાજની જનરલ સભા પણ મળી હતી. આ પ્રસંગે ભૂમિદાતા આલા ભચુ છાંગા પરિવાર અને સાધુ -સંતો ત્રિકમદાસજી મહારાજ (સચ્ચિદાનંદ મંદિર અંજાર), લક્ષમનગિરિ બાપુ (હબાય જાગીર), ધનેશ્વર મહારાજ (સદ્ગુરુ રાયમલધામ અંજાર), ભગવાનદાસજી મહારાજ (સચ્ચિદાનંદ મંદિર રતનાલ) અને રાજકીય અને સામાજિક અગ્રણીઓના હસ્તે શાત્રોકત વિધિ દ્વારા પાયાવિધિ કરાઇ હતી. જ્ઞાતિની જનરલ સભા મળી હતી, જેમાં સ્વાગત પ્રવચન આલા ભચુ છાંગા દ્વારા કરાયું હતું. અધ્યક્ષ સ્થાનેથી પૂર્વમંત્રી અને ધારાસભ્ય વાસણભાઇ આહીર એ જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં આહીર સમાજ અન્ય સમાજની સાથે શિક્ષણ ક્ષેત્રે તાલમેળ મિલાવી રહ્યો છે. આહીર સમાજ આજે પ્રગતિના પંથે છે. ભૂમિદાન આપનાર પરિવારને બિરદાવ્યા હતા. તમામ વક્તાઓએ એક સૂરમાં જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સામાજિક કુરિવાજો દૂર થાય તેમજ સામાજિક પ્રસંગોમાં દેખાદેખીથી દૂર રહી વ્યસન-ફેશન બાબતે લાલબત્તી ધરી હતી. સમાજ પૂર્વપ્રમુખ અને નવા પ્રમુખ સાથે સમગ્ર ટીમને સન્માનીત કરાઇ હતી. આ તકે સમાજવાડીના મુખ્ય હોલના દાતા તરીકે રાણા રવા ડાંગર અને પ્રવેશદ્વાર - બાઉન્ડરી વોલના દાતા સ્વ. ગોપાલ તેજા ભોજાણી પરિવાર અને અન્ય રુમોના દાતા તરીકે દાનની સરવાણી વહી હતી. આ કાર્યક્રમમાં ત્રિકમભાઇ આહીર (પ્રમુખ કચ્છ આહીર મંડળ), જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, જીવાભાઇ શેઠ, દેવજીભાઇ વરચંદ, રાણાભાઇ ડાંગર, શામજીભાઇ વરચંદ, ધનાભાઇ આહીર, શામજીભાઇ છાંગા, શામજીભાઇ પટેલ, વાઘજીભાઇ છાંગા, શામજીભાઇ બાલાસરા, માવજીભાઇ આહીર, માવજીભાઇ ઢીલા, રાજેશભાઇ વરચંદ, રણછોડભાઇ વરચંદ, જીવાભાઇ માતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રવીણ આહીર, આભારવિધિ ધનજીભાઇ આહીરે કરી હતી. આનંદભાઇ, મહાવીરભાઇએ વ્યવસ્થા સંભાળી હતી.