દિલ્હીની ઇમારતમાં ભીષણ આગ : 26 મૃત્યુ
નવી દિલ્હી, તા. 13 : અહીંના મુંડકા વિસ્તારમાં આજે સાંજે એક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતાં કમસે કમ 26 જણ માર્યા ગયા હોવાના હેવાલ છે અને 60થી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે તથા આઠ ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અગ્નિશમન દળોનાં 30 વાહન આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગ્યા છે અને રાત સુધી ઇમારતમાં ઘણા ફસાયેલા હોવાની પણ આશંકા છે.મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બહુમાળી ઇમારતમાં વિકરાળ આગ ફાટી નીકળી હોવાની સૂચના સાંજે 4.40 વાગ્યે અગ્નિશમન દળોને મળી હતી. ફાયર વિભાગની ચાર ગાડી ઘટના સ્થળે પહોંચી હતી પણ આગ બહુ ફેલાઇ ગઇ હોવાશ્રી અગ્નિશમનનાં 30 વાહન સ્થળ?પર પહોંચાડવામાં આવ્યા હતા. ટીવી ચેનલોના હેવાલ મુજબ આગમાં 26 જણ જીવતા ભુંજાયા છે. પોલીસે અમુક રૂમની બારી તોડીને લોકોને બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડાયા છે. વહીવટી તંત્રને 26 મૃતદેહ મળી આવ્યા છે અને હજી ત્રીજા માળની તપાસ કરવાની બાકી છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અને ઇમારતના માલિકને અટકાયતમાં લેવાયો છે. આગની ઘટના મુંડકા મેટ્રો સ્ટેશનના પીલર નં. 544 પાસેની એક ઇમારતમાં સર્જાઇ હતી. જેને ઇલેક્ટ્રોનિક સામાનનું ગોદામ બતાવાઇ રહી છે. જો કે હજુ સુધી આગ લાગવાના કારણો બહાર આવ્યાં નથી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. દિલ્હી ફાયર સર્વિસ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અગનજ્વાળામાં ચાર લોકો ભુંજાઇ ગયા હતા જ્યારે લાખો રૂપિયાનો સામાન સ્વાહા થઇ ગયો છે. છેલ્લામાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી 30 ફાયર ટેન્કર ઘટના સ્થળે આગ ઓલાવવા લાગેલાં હતાં. જીવતા ભુંજાઇ ગયેલા ચાર પૈકી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઇ રહી છે. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહતનિધિમાંથી બે લાખ અને ઘાયલોને રૂા. 50 હજારની જાહેરાત પ્રધાનમંત્રી કાર્યાલયના ટિવટ પર કરાઇ હતી.