ભાષાઓનો નૂતન પ્રયોગ અંગ્રેજીના શબ્દ ભંડોળને વધુ સુદ્રઢ કરશે
ભુજ, તા. 21 : શિક્ષણ ક્ષેત્રે અને ખાસ કરીને ભાષા અને સાહિત્ય ક્ષેત્રે થતા સંશોધનોની નોંધ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નહિવત્ લેવાતી હોય છે. વિજ્ઞાન, એન્જિનીયરિંગ, તબીબ વિજ્ઞાન અને ફાર્મસીને લગતા ફોર્મ્યુલા માટે પેટન્ટ નોંધવામાં આવતી હોય છે. અંગ્રેજી વિષયના પ્રાધ્યાપકો દ્વારા પેટન્ટની નોંધણી થઇ?હોય એવી સૌપ્રથમ ગૌરવપ્રદ ઘટના ઘટવા પામી છે. ભાષા વિશ્વ જ્ઞાનની બારી બને તે હેતુસર અંગ્રેજી ભાષાના વરિષ્ઠ અધ્યાપકો તેમજ શૈક્ષણિક ટેકનોલોજીમાં જેમનું આગવું પ્રદાન છે એવા મારવાડી યુનિવર્સિટીના ડો. દીપક મશરૂ, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અમીબેન ઉપાધ્યાય, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ચેતનભાઇ ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટી યુ.જી.સી. એચ.આર.ડી.સી.ના ડિરેક્ટર પ્રો. જગદીશભાઇ?જોષી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના ડીન અને અંગ્રેજી વિભાગના વડા પ્રો. કાશ્મીરાબેન મહેતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડના ચેરમેન ડો. ઇરોસ વાજા તથા ગુજરાત યુનિવર્સિટી અંગ્રેજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો. દુષ્યંતભાઇ નિમાવતે તાજેતરમાં નોંધાવેલ પેટન્ટ `આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ બેઝડ વોકેબ્યુલરી એક્વાયરિંગ એપરેટસ' ભારત સરકારની ઓફિશિયલ જર્નલ ઓફ ધ પેટન્ટમાં પ્રકાશિત થઇ છે.ભાષા ક્ષેત્રે થયેલા આ નૂતન પ્રયોગથી અંગ્રેજી ભાષા શીખનાર કોઇપણ વ્યક્તિ માટે શબ્દ ભંડોળ સુદ્રઢ કરવા આ પ્રક્રિયા કારગર નીવડશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં જોઇએ તો આવી ટેકનોલોજીના ઉપયોગ વડે આપણા યુવાનો વિશ્વ સાથે તાલ મિલાવી શકે તથા અંગ્રેજી ભાષા શીખવાનો ભય દૂર થઇ શકશે. કચ્છ સાહિત્યના ઉચ્ચ શિક્ષણ જગતની આ પ્રથમ ઘટના છે જે માટે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. જયરાજસિંહ જાડેજા, કુલસચિવ ડો. જી. એમ. બુટાણી તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારે ડો. કાશ્મીરાબેન મહેતા અને તેમના સાથીઓને આ સિદ્ધિ માટે બિરદાવ્યા હતા.