ડીપીટીમાં બાયોમેટ્રિક હાજરી પ્રક્રિયા સ્થગિત કરવા માગણી
ગાંધીધામ,તા.21: હાલમાં વધતા જતા કોરોનાના કેસોને કેન્દ્રમાં રાખીને ડીપીટીમાં બાયોમેટ્રીક મશીન પધ્ધતિથી હાજરી પ્રક્રિયા બંધ કરવા કુશળ yઅકુશળ અસંગઠીત કામદાર સંગઠને માંગ કરી હતી. સંગઠનના મહાસચિવ વેલજીભાઈ જાટે ડીપીટીના સચિવને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે ગાંધીધામ તાલુકામાં છેલ્લા પંદર દિવસોથી કોરોનાના કેસો વધી રહયા છે.ત્યારે મોટાભાગના કેસો આ વિસ્તારમાંથી આવે છે. ડીપીટીના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ બીમારીની ઝપટે ચડયા છે. આવી સ્થિતિમાં બાયોમેટ્રીકથી હાજરી નોંધાવવાની પ્રક્રિયાથી પરિસ્થિતી વધુ વણસશે. કેટલીક જગ્યાએ બાયોમેટ્રીક મશીનની બાજુમાં અટેન્ડનટ પણ હાજર નથી. કયાંક હાથને સેનેટાઈઝ કરવાની વ્યવસ્થા નથી. કેન્દ્ર સરકાર દ્વારા પણ આ પ્રકારની હાજરી નોંધણી પ્રક્રિયા સ્થગિત કરવા આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે પોર્ટ પ્રશાસન સ્થિત વણસે તેની રાહ જોઈ રહયુ છે તેવો સવાલ ઉઠાવ્યો હોવાનું ઉપપ્રમુખ કિર્તીકુમાર આચાર્યે એક યાદીમાં જણાવ્યુ હતું.