મુંદરામાં અદાણી સ્થાપશે મહાકાય સ્ટીલ પ્લાન્ટ

મુંદરામાં અદાણી સ્થાપશે મહાકાય સ્ટીલ પ્લાન્ટ
અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને પોસ્કો -અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા એમઓયુ અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે. આ પ્લાન્ટ અંદાજે રૂપિયા 37,પ00 કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ 3400 થી વધુ લોકોને સીધી અને પરોક્ષ રોજગારીની તકો પૂરી પાડશે.દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અને કચ્છના મુંદરામાં દેશનું ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું બંદર ધરાવનાર અદાણી જૂથે ઊર્જા, સ્ટીલ સહિત અન્ય ક્ષેત્રોમાં કારોબારી તકની તલાશરૂપે દક્ષિણ કોરિયાઇ કંપની પોસ્કો સાથે મોટો સોદો કર્યો છે. એકીકૃત સ્ટીલ ફેક્ટરી શરૂ કરવા માટે અદાણી જૂથે પોસ્કો સાથે કરેલા કરાર હેઠળ 37 હજાર પાંચસો કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.આ કરાર સાથે જ વૈકલ્પિક ઊર્જા, હાઇડ્રોજન, લોજિસ્ટિકસ, પોર્ટ, એરપોર્ટ, રસ્તા જેવા ક્ષેત્રો બાદ અદાણી જૂથે સ્ટીલના કારોબારમાં ઝંપલાવ્યું છે. અદાણી-પોસ્કો વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ પાંચ અબજ ડોલર સુધી રોકાણ થઇ શકે છે. ગુજરાત રાજ્યમાં સીમાવર્તી કચ્છના મુંદરામાં હરિત, પર્યાવરણને અનુકૂળ એકીકૃત સ્ટીલના કારખાનાની સ્થાપના સહિત સરકારની સહમતી સધાઇ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર0રર સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને પોસ્કો -અદાણી વચ્ચે આ એમઓયુ થયા છે. પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ ર0ર6 સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે. પોસ્કોના ચીફએક્ઝિક્યુટીવ ઓફિસર જેઓંગ-વૂ, ચોઈએ ત્યાં ઉપસ્થિત પત્રકારોને જણાવ્યું હતું `સ્ટીલ અને પર્યાવરણને અનુકૂળ વેપારમાં પોસ્કોની સ્ટીલ નિર્માણમાં અદ્યતન ટેકનોલોજી અને ઊર્જાતેમજ આંતરમાળખાના ક્ષેત્રમાં અદાણીની નિપૂણતા સાથે પોસ્કો અને અદાણી તાલમેલ સાધવા સક્ષમ છે. આ સહયોગ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સારા અને લાંબાગાળાના વેપારનું સહકાર મોડલ બની રહેશે.અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ સ્ટીલ ઉત્પાદન આ ભાગીદારી ભારતના ઉત્પાદન ઉદ્યોગના વિકાસમાં અને ભારત સરકારની આત્મનિર્ભર ભારતની બહુલક્ષી યોજનામાં યોગદાન આપશે. તદૃપરાંત ગ્રીન બિઝનેસમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં પણ મદદરુપ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ એમઓયુ પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સી.ઇ.ઓ  કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યા હતા. આ વેળાએ પોસ્કો ઇન્ડીયાના સી.એમ.ડી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.પોસ્કો કંપની કાર્બન ઉત્સર્જન ઘટાડીને સ્ટીલનું ઉત્પાદન કરવામાં કુશળતા ધરાવે છે અને દુનિયાની સૌથી કાબેલ સ્ટીલ નિર્માતા કંપની છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer