129 કેસ : કચ્છમાં કોરોનાની રફતાર બેકાબૂ

129 કેસ : કચ્છમાં કોરોનાની રફતાર બેકાબૂ
ભુજ તા. 13 : ઉત્તરાયણ પર્વની ઉજવણીના વર્તાતા થનગનાટ વચ્ચે કચ્છમાં કોરોનાએ માથું ઉંચકતા સંક્રમણની સાથે ચિંતામાં પણ સતત વધારો થઈ રહયો છે. બુધવારે એક દિવસના કેસમાં ઘટાડામાં મળેલી રાહત ઠગારી નિવડી હોય તેમ ગુરુવારે 24ના વધારા સાથે નવા 129 કેસ કોરોનાના વધ્યા હતા. 21 મે 2021ના દિવસે નોંધાયેલા 134 બાદ આજે નોંધાયેલા 129 કેસ સર્વાધિક હોવાનું સત્તાવાર આંકડા બોલી રહયા છે. તો જાન્યુઆરીના 13 દિવસમાં 901 કેસ નોંધાતા આ માસમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો ઝડપભેર વધીને 1000 નજીક પહોંચી રહયો છે. ભુજ અને ગાંધીધામ સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં સંક્રમણ વધી રહયું હોય તેમ આઠ પૈકીના પ તાલુકામાં કોરોનાના કેસ બેવડા આંકમાં નોંધાયા  છે. 66 દર્દીઓ સાજા થતા સક્રિય કેસ વધીને 46પ થયા છે. શહેરી વિસ્તારમાં સંક્રમણ નોંધપાત્ર રીતે વધ્યું હોય તેમ 129 પૈકી 101 કેસ શહેરો અને 18 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. ગાંધીધામ શહેરમાં 32 અને તાલુકામાં  3 સાથે 3પ, ભુજ શહેરમાં 2પ અને તાલુકામાં 7 સાથે 32, મુન્દ્રા શહેર તાલુકામાં 21, અંજાર શહેર તાલુકામાં 16, ભચાઉ શહેર તાલુકામાં 17, નખત્રાણામાં 4, માંડવીમાં 4, રાપરમાં 1 કેસ નોંધાયો છે. બે તાલુકામાં કોરોનાની ગેરહાજરી જોવા મળી છે. આરોગ્ય વિભાગની યાદી અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં કંડલા અને નખત્રાણામાં 3, દહીંસરા અને ફોટડીમાં 2, ભુજપુર, કુકમા, માધાપર, ભુજોડી, વરસામેડી, વીરા, મેઘપર બોરીચી, ચાંદ્રાણી, નાની ચીરઈ, સામખિયાળી, મોરગર, સુખપર, દેવપર, મોટી મંઉ, મોટા કપાયા, લાખાપર, કારાઘોઘામાં 1 કેસ નોંધાયો છે. 66 સાજા થયેલા દર્દીઓમાંથી પ4 તો ભુજ અને ગાંધીધામના છે. કોરોનાના કેસમાં સતત વધારા વચ્ચે ઓમિકોનના કેસનો આંક 7 પર અટકેલો રહેતાં થોડી રાહત ચોકકસથી મળી હતી. દરમિયાન જિલ્લા તંત્રે છેલ્લા કેટલાક દિવસોથી કુલ પોઝીટીવ અને સાજા થયેલા દર્દીઓ ઉપરાંત કુલ મૃત્યુઆંક કેટલો તેનો આંકડો દેખાડવાનું એકાએક બંધ કરી દીધું છે. કોરોના સંક્રમણમાં આવેલા ઉછાળા વચ્ચે ઉત્તરાયણ પર્વની પૂર્વસંધ્યાએ પતંગ ફીરકી સહિતની ખરીદી કરવા લોકોની ભીડ મોટી માત્રામાં ઉમટી પડી હતી. કયાંક ને કયાંક માસ્ક પહેરવાની બાબત હોય કે પછી અંતર જાળવવાનું હોય તમામમાં નિયમોના છેદ ઉડતો જોવા મળ્યો હતો. એપ્રિલ કરતાં પણ જાન્યુઆરીમાં કોરોનાના કેસ ઝડપભેર આગળ ધપી રહયા છે. એકમાત્ર આશ્વાસન એ છેકે હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા ઘણી જ ઓછી છે. - સક્રિય કેસ 15 ગણા વધ્યા : 31 ડિસેમ્બરના જિલ્લામાં માત્ર 36 સક્રિય કેસ હતા જે હવે વધીને 46પ થઈ ગયા છે. એટલે કે માત્ર 13 દિવસના ગાળામાં સક્રિય કેસમાં 1પ ગણો વધારો થયો છે. તો જાન્યુઆરીમાં નોંધાયેલ મોટાભાગના કેસ લોકલ સંક્રમણ એટલે કે ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer