કચ્છમાં સંક્રાંતિએ ટાઢોળું; નલિયા 4.6

કચ્છમાં સંક્રાંતિએ ટાઢોળું; નલિયા 4.6
ભુજ, તા. 13 : ઉત્તરાયણના પર્વે કચ્છ પર શીત સકંજો કસાયો હોય તેમ ઠંડીના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. હવામાન વિભાગે વધુ બે દિવસ શીતલહેરની ચેતવણી જારી રાખવા સાથે ઉત્તરાયણના પવનની ગતિ સાનુકૂળ રહેવાની આગાહી કરી છે.ગુરુવારે નલિયાનું ન્યૂનતમ તાપમાન 4.6 ડિગ્રી નોંધાતાં જનજીવન ઠૂંઠવાયું હતું. ઠંડીએ માનવીની સાથે ચોપગા પશુઓની હાલત કફોડી બનાવી છે.ઠંડીએ નાના બાળકો, વૃદ્ધ, અશક્તોને પણ પોતાના સકંજામાં જકડી રાખ્યા હોય તેમ એમના માટે પણ ઠંડીનો દોર અસહ્ય બન્યો છે. તેમાંય છેલ્લા ત્રણ-ચાર દિવસથી નલિયાનું તાપમાન સતત નીચું જવાના કારણે અબાલ, વૃદ્ધ સહિત લવરમૂછિયા જવાનો પણ નખશીખ ઊની ગરમ વત્રોમાં લપેટાયેલા જોવા મળે છે. ઠંડીના કારણે શરદી, ઉધરસ, તાવ, માથું દુ:ખવું વગેરે જેવી બિમારીઓએ પણ માથું ઊંચક્યું છે.કંડલા (એ.)માં 9.4 અને કંડલા પોર્ટમાં 10.9 ડિગ્રીએ ગાંધીધામ-અંજાર વિસ્તાર ઠારના મારમાં ઠૂંઠવાયા હતા. ભુજમાં પારો આંશિક ઊંચકાઇને 10.2 ડિગ્રીએ પહોંચવા છતાં ઠંડીની તીવ્રતામાં જરા સરખીય ઓટ આવી નહોતી. મહત્તમ તાપમાન 13-14 ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. - અબડાસામાં ઠંડીના પ્રકોપ વચ્ચે એક સપ્તાહમાં 12 મરણના કિસ્સા : નલિયા, તા. 13 : અબડાસામાં લાંબા સમયથી ફેલાયેલા ઠંડીના પ્રકોપ વચ્ચે હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે. એક અઠવાડિયા દરમ્યાન અબડાસામાં 12 જેટલા મોત થયાં છે.અબડાસામાં વર્તમાન કોરોનાની બીજી લહેર હજી પહોંચી નથી જે સદ્નસીબ માની શકાય. એક અઠવાડિયા દરમ્યાન એકલા નલિયામાં ત્રણેક આધેડ મહિલાઓ, એકાદ વૃદ્ધ સહિત ચારેક પુરુષો સહિત સાતેકના હૃદયરોગથી મોત થયા છે. નલિયામાં મધરાત્રે 50 વર્ષીય ચેતનાબેન કિશોરભાઇ કંસારાને મુંઝારો થતાં પતિને જગાડયા ને વાત કરી. પતિએ બામ લગાડવાની તૈયારી કરી એ પૂર્વે જ મહિલાનું મોત થયું હતું. કાનજીભાઇ મહેશ્વરી નામના આધેડને પણ ગઇરાત્રે હૃદયરોગનો હુમલો ભરખી ગયો હતો.તેવી જ રીતે ગઇકાલે સિંધોડી મોટીમાં 73 વર્ષીય  પુનશીભાઇ ગઢવીનું પણ હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. ગયા પખવાડિયે સુજાપરના એક ક્ષત્રિય આગેવાનનું પણ હૃદયરોગનો હુમલો આવ્યા પછી સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. શનિવારે નલિયામાં 63 વર્ષીય દાઉદ ભજીર પણ હાર્ટ એટેકના કારણે જન્નતનશીન થયા હતા.હાજાપરના 45 વર્ષીય સામબા જાડેજા નામની મહિલાનું પણ હૃદયરોગના કારણે મોત થયું હતું. તો કડુલીના હાજી શિયાળ અને લાલાના જુસબ સુમાર નામના વૃદ્ધનું પણ એ જ રીતે મોત થયું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer