6.08 લાખ કરોડનું ધિરાણ નાબાર્ડ ઠાલવશે

6.08 લાખ કરોડનું ધિરાણ નાબાર્ડ ઠાલવશે
ભુજ, તા. 13 : રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) કચ્છ દ્વારા આગામી વર્ષે કચ્છ જિલ્લામાં છ લાખ આઠ  હજાર આઠસો ચોરાણું કરોડથી વધુની રકમના સંભવિત ધિરાણ આપવાના અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લાના સરકારી વિભાગો, બેન્કો અને વિકાસકાર્યોથી જોડાયેલા લોકો સાથે ચર્ચા-વિચારણા કરી પ્રાથમિક જરૂરિયાત ધરાવતા કૃષિ ધિરાણ, પાક નિકાસ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો શિક્ષણ અને ઘરો માટેના વાર્ષિક  અંદાજો, જિલ્લામાં ઉપલબ્ધ કુદરતી સંપદાઓ અને વિકાસની સંભાવનાઓના આધાર પર વર્ષ 2022/23ના આયોજનને રજૂ કરવામાં આવ્યું હતું. નિવાસી નાયબ કલેકટર એચ. એમ. જાડેજાની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક નીરજકુમાર સિંહ દ્વારા આ અંગેની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને ધ્યાને લઈ આ પોટેન્સિયલ લિંક ક્રેડિટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લાની લીડ બેંક દ્વારા દર વર્ષે વાર્ષિક ધિરાણના અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે જેમાં આ વર્ષે કુલ્લ 608894.86 લાખની રકમની જોગવાઈ અનુમાનિત કરવામાં આવી છે, જે ગત વર્ષની તુલનામાં બાવીસ ટકા જેટલો વધારો દર્શાવે છે, જેમાં 57.24 ટકા એટલે 348508.80 લાખ જેટલું ધિરાણ અનુમાન કૃષિ અને તેને આનુસાંગિક કાર્યો માટે જ્યારે બાકી 260386.06 લાખ (42.76 ટકા)નો અંદાજ  લઘુ અને મધ્યમ ઉદ્યોગો, શિક્ષણ આવાસ આયાત નિકાસના ક્ષેત્રોમાં ધિરાણ માટે અંદાજવામાં આવ્યો છે. ગત વર્ષે અગ્રતા ધરાવતા ક્ષેત્રો માટે લીડ બેંક દ્વારા વાર્ષિક ધિરાણ યોજના હેઠળ આપેલા 550200.00 લાખના લક્ષ્યાંક સામે આ વરસના અંદાજમાં 58694.86 લાખ વધુ જોગવાઈ કરવામાં આવી છે. આ વાર્ષિક અંદાજપત્રનું (પી.એલ.પી.2022/23) નિવાસી નાયબ કલેકટર એચ. એમ. જાડેજાએ  વિમોચન કર્યું હતું અને પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કચ્છના વિકાસકાર્યોમાં નાબાર્ડની ભૂમિકા અને સહયોગની સરાહના કરતાં નાબાર્ડની કામગીરીની પ્રસંશા કરી હતી. વર્ષ 2022/23ના વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવામાં જિલ્લા નાબાર્ડ કચેરીને જિલ્લા વહીવટી તંત્ર, લીડ બેંક અને બેંકોના અધિકારીઓ સહિતના સહયોગી બન્યા હતા. આ બેઠકમાં ઘનશ્યામભાઈ પ્રજાપતિ (ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી), ડો. મનીષ કામત (કેવીકે-ભુજ), ડો. હરેશ ઠક્કર (નાયબ પશુપાલન નિયામક), બેંક ઓફ બરોડાના ક્ષેત્રિય ઉપપ્રબંધક રાકેશ કુમાર, જિલ્લા વિકાસ પ્રબંધક નીરજકુમાર સિંહ, એલડીઓ આરબીઆઈ મનોજ શર્મા, સંજય સિન્હા (એલડીએમ) અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. પી. ડેર, રવિવીર ચૌધરી નાયબ મેનેજર (ડીસીએચ-ભુજ) અને અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer