મકરસંક્રાંતિએ ગાંધીધામ સંકુલ અનેક તહેવારનું બને છે સાક્ષી

મકરસંક્રાંતિએ ગાંધીધામ સંકુલ અનેક તહેવારનું બને છે સાક્ષી
મનજી બોખાણી દ્વારા - ગાંધીધામ, તા. 13 : પંચરંગી એવા આ શહેરમાં આવતીકાલે સૌ કોઇ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે, મોટેરાઓ દાન પુણ્ય કરશે, બાળકો-યુવાનો આકાશમાં પતંગ ચગાવી જુદી જુદી ચીકીનો આનંદ માણશે. ત્યારે મિની મુંબઇ ગણાતા આ સંકુલમાં અન્ય ત્રણ તહેવારો પણ ઉજવાશે. અહીં મોટી સંખ્યામાં શીખ સમુદાય રહે છે તે મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ લોહડી મનાવતો હોય છે. ઘરમાં વર્ષ દરમ્યાન કોઇના લગ્ન થાય કે બાળકનો જન્મ થાય તેવા તમામ લોકો આ પ્રસંગની ઉજવણી કરતા હોય છે. અહીં તમિલ લોકો પણ વસે છે. પ્રેમ, સમર્પણ અને બંધુત્વની ઉજવણી સમાન પોંગલની ઉજવણી પણ અહીં કરાય છે. ભોગી પોંગલ, થાઇ પોંગલ, મટ્ટ પોંગલ અને કાનુમ પોંગલની ઉજવણી કરવામાં આવી હોય છે. આ સંકુલમાં આસામી લોકો પણ કામધંધાર્થે આવીને અહીં વસ્યા છે. આ લોકો ઉત્તરાયણના દિવસે માઘબીહૂ અને ભોગાલી બીહૂ નામના ઉત્સવને મનાવતા હોય છે. આ જુદા જુદા ઉત્સવો થકી સંકુલમાં ભારતદર્શન થાય છે. ઉત્તરાયણનો દિવસ આનંદ, ઉલ્લાસનો દિવસ છે. રાજ્યની સાથે સરહદી એવા કચ્છના છેવાડાના ગામના લોકો પણ આ ઉત્સવને મનાવે છે. ગાંધીધામ, આદિપુર અને આસપાસની સોસાયટીઓમાં લોકો સવારથી મોડીસાંજ સુધી ધાબાથી નીચે ઉતરવાનું નામ નહીં લે. જુદા જુદા રંગની, જુદા જુદા આકાર, પ્રકારની પતંગો ચગાવી ચીકી, તલસાંકળીનો લાભ લોકો લેશે. આ પ્રસંગે અહીંના શીખ સમુદાયના લોકો લોહડીનો ઉત્સવ મનાવશે. શિયાળુ પાકની લણણી અને તેની ખુશીમાં આ પ્રસંગને ઉજવાય છે. મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ લોહડીની ઉજવણી કરવામાં આવે છે. લોહડીને પંજાબીઓના નવા વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. ઘરમાં વર્ષ દરમ્યાન કોઇના લગ્ન થાય અથવા બાળકનો જન્મ થાય તેની ખુશીમાં પણ આ પ્રસંગ ઉજવાય છે. ગાંધીધામ ગુરુદ્વારા સાહિબ તથા લખપત ગુરુદ્વારા સાહિબના ઉપપ્રમુખ જગતારસિંઘ ગીલજીએ જણાવ્યું કે, આ પ્રસંગે લાકડીઓ એકત્રિત કરી તેને પ્રગટાવવામાં આવે છે, જેમાં જે નવા પાકની લણણી થાય છે તેમાં મગફળી વગેરેનો ભોગ ચડાવાય છે. આ પ્રસંગ પંજાબી ગીત ગાઇ, ભાંગડા પણ કરાતા હોય છે. વિશ્વમાં જ્યાં પણ શીખ સમુદાયના લોકો વસે છે ત્યાં નિયમોનું પાલન કરીને આ પ્રસંગની ઉજવણી કરવામાં આવતી હોવાનું ઉમેર્યું હતું. કંડલા-મુંદરા પોર્ટ અને શિપિંગ વ્યવસાયના પગલે તામિલ સમુદાય પણ આ સંકુલમાં વસે છે. તામિલનાડુનો આ સમુદાય પ્રેમ, સમર્પણ અને બંધુત્વને જોડતા પોંગલ ઉત્સવની ઉજવણી મકરસંક્રાંતિના દિવસે કરતો હોય છે. શિયાળાના ચોખા, શેરડી, હળદર વગેરે જેવા પાકોની લણણી થાય છે ત્યારે આ ચાર દિવસીય પોંગલ ઉજવાય છે. લાગણીના આ તહેવાર પોંગલનો અર્થ ઉભરાઇ જવું પણ થાય છે. તે લોકો અને પરિવારના વચ્ચેના પ્રેમનું નિરુપણ કરે છે. ઉત્તમ વિચાર અને વર્તનના બદલે માનવીને કુદરત તરફથી પુષ્કળ પાક મળશે. પોંગલ એ પ્રકૃતિ અને માનવતાની એકતા સમાન પર્વ છે.પ્રથમ દિવસ ભોગી પોંગલ તરીકે ઓળખાય છે. આ દિવસે લાકડી તથા ઘરમાં સફાઇ કરતી વેળાએ નીકળી નકામી વસ્તુઓ સળગાવવામાં આવે છે. આ વિધિ તમામ નકારાત્મક ઊર્જા હોમવાનું પ્રતિક છે. બીજો દિવસ થાઇ પોંગલ તરીકે મનાવાય છે. ચોખાની લણણી બાદ તે ચોખાના આટામાંથી રંગોળી (કોલમ) બનાવાય છે. ઘરની મહિલાઓ આ દિવસે વહેલી પરોઢે ઊઠી ઇષ્ટદેવની પૂજા અર્ચના કરી આ કોલમ (રંગોળી) તૈયાર કરતી હોય છે. ઘરમાં કે બહાર એક વાસણમાં ખીર વગેરે તૈયાર કરાય છે. જેમાં હળદર બાંધવામાં આવે છે. બાદમાં સૂર્યદેવતાને ચોખા, હળદર, શેરડી, નાળિયેર, કેળા વગેરે અર્પણ કરવામાં આવે છે. ત્રીજા દિવસે મટ્ટુ પોંગલ મનાવાય છે. આ દિવસે ગાય, બળદને શણગારમાં આવે છે અને બાદમાં તેમની પૂજા, અર્ચના કરવામાં આવે છે. આનંદના રંગ સમાન આ તહેવારના છેલ્લા દિવસે કાનુમ પોંગલ ઉજવાય છે. આ દિવસે બળદગાડીઓની દોડ પણ થતી હોય છે. સાફ કરેલા હળદરના પાન, સોપારીના પાન, શેરડી પર બચેલી પોંગલ વાનગી ઘરના આંગણામાં સંગ્રહિત કરાય છે અને બહેનો પોતાના ભાઇઓની સફળતા માટે પ્રાર્થના કરતી હોવાનું અહીંના સંતોષભાઇએ જણાવ્યું હતું.આ સંકુલની આસપાસ લાકડાના બેન્સા અને પ્લાયની કંપનીઓના કારણે કામધંધાર્થે અહીં આસામના લોકો પણ વસવાટ કરે છે. આસામના આ લોકો ઉત્તરાયણના દિવસે માઘ બીહુ અને ભોગાવી બીહુ નામના ઉત્સવની ઉજવણી કરતા હોય છે તેવું ટિમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલા અને ચેમ્બરના કો-ઓપ્ટ સભ્ય મુકેશકુમાર ભારતિયાએ જણાવ્યું હતું. શિયાળુ પાકની લણણી બાદ આ બીહુ ઉત્સવને મનાવાય છે. ખેતર કે વાડીમાંથી પાક લણી લીધા બાદ જે નિંદામણ બચે છે તેને પણ લઇ અવાય છે અને આ નિંદામણ એકત્ર કરી 15-20 ફૂટ ઊંચા ઢગલા ઊભા કરાય છે અને બાદમાં તેને હોળીની જેમ પ્રગટાવાય છે, તેમાં નવા પાકનો ભોગ પણ લગાવાય છે. આ વેળાએ રાસ, ઉત્સવ, નાચ, ગાન પણ કરાય છે અને સવારના ભાગે ખેતર, વાડીમાં જ જમવાનું તથા આવતા વર્ષે ખેતી પુષ્કળ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે.આમ, ઉત્તરાયણના દિવસે આ સંકુલમાં માત્ર પતંગ ચગાવવાનો કે ચીકી ખાવાનો જ નહીં પરંતુ જુદા જુદા ઉત્સવો પણ મનાવાય છે. ભારતભરના આવા જુદા જુદા ઉત્સવો થકી જ આ સંકુલમાં સમગ્ર ભારતના દર્શન થતા હોય છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer