કચ્છ સહિત રાજ્યમાં રિલાયન્સનું ગ્રીન એનર્જીમાં રોકાણ

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. પ.9પ લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એમઓયુ કર્યા હતા. આ સૂચિત પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે 10 લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર0રર અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ એમઓયુ કરવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.  ગુજરાત સરકાર સાથે ચર્ચા કરતાં રિલાયન્સે 100 ગીગાવોટ વૈકલ્પિક ઉર્જા વીજ પ્રોજેકટ સ્થાપવા માટે કચ્છ, બનાસકાંઠા અને ધોલેરોમાં જમીન શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. કંપનીએ કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માંગણી કરી છે.આ એમઓયુ પર ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ગૃપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત, રાજ્યમાં આવનારા દસકમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. પ લાખ કરોડના આ સૂચિત રોકાણો કર્યા છે. રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય રૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે. તેમજ  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ અન્વયે 60 હજાર કરોડનું રોકાણ કરાશે. આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટીઝ સ્થપાશે. વધુમાં, રિલાયન્સ જિઓ નેટવર્કને 5જી માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં 7પ00 કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. 3000 કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. રપ હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા હતા. આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન-કલીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એનર્જી ઉત્પાદનમાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં આ સૂચિત પ્રોજેક્ટસ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer