ઉત્તરપ્રદેશ ભાજપમાં ભાગંભાગ

લખનૌ, તા. 13 : ઉત્તરપ્રદેશમાં સત્તાના સંગ્રામ પહેલાં સત્તારૂઢ કેસરિયા પક્ષને ગુરુવારે લગાતાર ત્રીજા દિવસે ત્રીજા મંત્રી સહિત ચાર ધારાસભ્યનાં રાજીનામાં રૂપે એક જ દિવસમાં ચાર નેતાએ પક્ષ છોડતાં ઝટકા ઉપર ઝટકા લાગ્યા છે. અત્યાર સુધી ત્રણ મંત્રી સહિત 14 નેતા ભાજપ સાથે છેડો ફાડી ચૂકયા છે. યોગી સરકારના આયુષ મંત્રી ડો. ધર્મસિંહ સૈની ઉપરાંત ધારાભ્યો મુકેશ શર્મા, વિનય શાકય અને બાલાપ્રસાદ અવસ્થીએ આજે રાજીનામાં આપી દીધાં હતાં.સૈની, મુકેશ વર્મા અને વિનય શાકરાએ અલગ-અલગ રીતે સપા કાર્યાલયમાં જઇને અખિલેશ યાદવ સાથે મુલાકાત લીધી હતી. ચૂંટણી પહેલાં વધુ વિકેટો પડતી રોકવાનો ભાજપ નેતૃત્વ સામે પડકાર ઊભો થયો છે.ઔરયાથી બિધુના ધારાસભ્ય વિનય શાક્ય, યોગી સરકારમાં આયુષ મંત્રી ધર્મસિંહ સૈની, શિકોહાબાદથી ધારાસભ્ય મુકેશ વર્મા અને લખીમપુર ખીરીના ધારાસભ્ય બાલા પ્રસાદ અવસ્થીએ ગુરુવારે રાજીનામું ધરી દીધું હતું. સુલ્તાનપુર સદરથી ભાજપના ધારાસભ્ય સીતારામ વર્મા પણ છેડો ફાડી રહ્યાની ચર્ચા ઉઠી હતી જેને તેમણે અફવા ગણાવી હતી. ગત મંગળવારે મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંત્રીમંડળથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં રાજીનામાનો એક દોર શરૂ થયો છે જે ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. સ્વામી પ્રસાદ મૌર્યનું એક નવું ટ્વિટ ભારે ચર્ચાસ્પદ બન્યું છે જેમાં તેમણે લખ્યું છે કે નાગરૂપી આરએસએસ, સાપરૂપી ભાજપ ને સ્વામીરૂપી નોળિયો યુપીથી ખતમ કરીને જ દમ લેશે. ધારાસભ્ય વિનય શાક્યએ મૌર્ય સાથે મુલાકાત બાદ કહયુ કે ભાજપમાં ન તો કામ થઈ રહ્યા હતા ન તો સમ્માન મળી રહ્યું હતું. રાજીનામું આપનાર મોટાભાગના નેતાઓએ રાજ્ય સરકાર પર દલિત, પછાત, અલ્પસંખ્યક સમુદાયના નેતાઓ અને જનપ્રતિનિધિઓની અવગણના કર્યાનો તથા દલિતો, પછાત, ખેડૂતો અને બેરોજગાર યુવાનો તથા નાના અને મધ્યમકક્ષાના વેપારીઓની ઉપેક્ષા કર્યાનો આરોપ લગાવ્યો હતો.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer