મુંદરા કસ્ટોડિયલ ડેથમાં બે પોલીસ કર્મચારી દ્વારા થયેલી વચગાળાની જામીનની માંગ નકારાઇ

ભુજ, તા. 13 : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચારી બનેલા મુંદરા પોલીસ મથકના કસ્ટોડિયલ ડેથના મામલામાં પ્રકરણના મુખ્ય આરોપીઓ પૈકીના પોલીસ કર્મચારી જયદેવાસિંહ અજિતસિંહ ઝાલા તથા શકિતસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા જુદા-જુદા કારણોસર અલગ-અલગ કરાયેલી વચગાળાના જામીન માટેની અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. જેને લઇને આ કેસમાં ન્યાય તંત્રનો કડક રવૈયો બરકરાર રહ્યો હતો. મુખ્ય ત્રણ આરોપી પૈકીના જયદેવસિંહ ઝાલા માટે તેમની પત્નીની આરોગ્ય સારવાર માટે 30 દિવસના વચગાળાના જામીનની રાહત મગાઇ હતી. જ્યારે શકિતસિંહ ગોહિલ માટે તેમના કાકાનું અવસાન થયેલું હોવાથી ધાર્મિકવિધિ કરવાના કારણ સાથે દશ દિવસના ટૂંકાગાળાના જામીન માગવામાં  આવ્યા હતા. ભુજની અધિક સેશન્સ અદાલતે આ બન્ને અરજી નામંજૂર  કરતા ચુકાદા આપ્યા હતા. જયદેવસિંહના કેસની સુનાવણી દરમ્યાન વચગાળા આપવા સામે કેસના તપાસનીશ નાયબ પોલીસ અધીક્ષક જે.એન.પંચાલ દ્વારા વાંધાઓ સાથે સોગંદનામું રજૂ કરાયું હતું, તો ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા તબીબી પ્રમાણપત્રની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઊભો કરતાં આ બાબતે હાઇકોર્ટ દ્વારા વર્ષ 1991માં કચ્છના નિરોણાના આલા રામજી આહીર વગેરે સામેના હત્યા કેસના ઉદાહરણ અને તે બાબતે હાઇકોર્ટે કરેલી કાર્યવાહીના મુદ્દા ટાંકીને વચગાળાની રાહત સામે વાંધા લીધા હતા. આ દલીલો અને પરિવારના અન્ય સભ્યો પણ સારવાર કરાવી શકે તેમ હોવાના તારણ સાથે માગણી નામંજૂર કરાઇ હતી.જ્યારે શકિત સિંહ માટેની માગણી બાબતની સુનાવણીમાં તપાસનીશ દ્વારા રજૂ કરાયેલા વાંધા ઉપરાંત પરિવારના અન્ય સભ્યો ધાર્મિકવિધિ કરાવી શકે છે અને આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૂરી નથી તથા હાલની કોરોનાની સ્થિતિને કેન્દ્રમાં રાખી ન્યાયાધીશે માગણી ઠુકરાવી દેતો આદેશ કર્યો હતો. આ બન્ને કેસની સુનાવણીમાં સરકાર પક્ષે આ કેસ માટે ખાસ નિયુકત ધારાશાત્રી રાજકોટના અનિલભાઇ આર. દેસાઇ તથા ફરિયાદ પક્ષ વતી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઇ વી. ગઢવી સાથે વાય.વી.વોરા, એ.એન.મહેતા અને એચ.કે. ગઢવી હાજર રહ્યા હતા.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer