ભુજના અપહરણ અને બળાત્કારના કેસમાં આરોપીને જામીન આપતો આદેશ

ભુજ, તા. 13 : આ શહેરના બી - ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા પરિણીતાના અપહરણ અને તેની સાથે બળાત્કાર કરવાના કેસમાં આરોપી અંજારના લક્ષ્મણ લાલજી માતંગને નિયમિત જામીન અપાયા હતા. તો નખત્રાણા પોલીસ  મથકમાં દાખલ થયેલા સગીર વયની કન્યાના અપહરણ અને બળાત્કારના પોકસો ધારાના કેસમાં આરોપી ધર્મેન્દ્ર શામજી પિંડોરિયા સહિત ત્રણ જણને જામીન અપાયા હતા. ભુજના કિસ્સા બાબતે ગત ડિસેમ્બર મહિનામાં ફરિયાદ લખાવાઇ હતી. આરોપી સામે સોનાના દાગીના પડાવી લઇ ઘેનયુક્ત પ્રવાહી પીવડાવી તેના આધારે જુદા જુદા સ્થળે લઇ જઇ દુષ્કર્મ કરાયાનો આરોપ મુકાયો હતો. પોલીસે ધરપકડ બાદ આરોપીના 10 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. દરમ્યાન આ તહોમતદાર માટે જિલ્લા અદાલત સમક્ષ જામીન અરજી મુકાઇ હતી. ન્યાયાધીશ પી.એસ. ગઢવીએ નિયમિત જામીન આપતો આદેશ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે એ.આર. મલેક સાથે સોનલ ગઢવી, પ્રફુલ્લ સીજુ, જગદીશ ગોસ્વામી, સાહેબા પઠાણ અને ફરહાન સિંધી રહ્યા હતા.જ્યારે નખત્રાણા ખાતે નોંધાયેલા કેસમાં મુખ્ય આરોપી ધર્મેન્દ્ર શામજી પિંડોરિયા અને મદદગારી કરવાના આરોપી શામજી ભીમજી પિંડોરિયા અને રતનબેન શામજી પિંડોરિયાને ભુજ અધિક સેશન્સ અદાલતે જામીન આપ્યા હતા. આ કેસમાં આરોપીના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી એસ.ટી. પટેલ સાથે હિરલ એસ. પટેલ, મુકેશ એન. બોખાણી અને ક્રિશ્ના કે. હરસોરા રહ્યા હતા.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer