ગાંધીધામના ચોરી, હત્યા વગેરે ગુનાના ત્રણ આરોપીના જામીન નકારાયા

ગાંધીધામ, તા. 13 : શહેરના વાવાઝોડા છાપરા વિસ્તારમાં 11 મહિના પહેલાં હત્યાના આરોપીના નિયમિત જામની નામંજૂર કરાયા હતા તેમજ શહેરના ઓશિયા મોલમાં  રૂા. 13,70,000ના ચોરી પ્રકરણમાં પણ એક શખ્સના જામીન નકારી દેવાયા હતા તથા કાર્ગોમાં  મારામારી તેમજ એટ્રોસિટીના કેસમાં પણ એક આરોપીના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. શહેરના વાવાઝોડા છાપરા નંબર પાંચ પાસે નરેશ, નીલેશ, કાનજી બુચિયા, હરેશ સોની કેરમ રમી રહ્યા હતા ત્યારે આરોપી પ્રવીણ ઉર્ફે પઇ પુંજા દનિચાએ  ત્યાં આવી કેરમ રમવાની ના પાડી હતી અને બોલાચાલી કરી જતો રહ્યો હતો. પછીથી પરત આવી તેણે નરેશ બગડા ઉપર છરીથી હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી. આ બનાવ અંગે પૂનમચંદ ઉર્ફે પપ્પુભાઇ બગડાએ  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસ પૂર્ણ થતાં પોલીસ  ચાર્જશીટ કોર્ટમાં  રજૂ કરી હતી. જામીન મેળવવા આ આરોપીએ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં બંને પક્ષોની દલીલો સાંભળી આ શખ્સના જામીન નકારી દેવામાં આવ્યા હતા. આ વર્ષના પ્રારંભમાં શહેરના ઓશિયા મોલમાંથી રૂા. 13,70,000ની ચોરી થઇ હતી. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે દોડધામ આદરી હતી અને આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ કબજે લીધો હતો. આ આરોપીઓ પૈકી માધવ પ્રેમસિંઘ ગોપીએ જામીન પર મુક્ત થવા નિયમિત જામીન અરજી કરી હતી. જેમાં બંને પક્ષોને સાંભળી આ શખ્સના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. શહેરના કાર્ગો-એકતાનગરમાં રહેતા લાલજી હીરા ચૌહાણએ આ જ વિસ્તારના દશરથ મંગા ઠાકોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ આરોપી ફરિયાદીના ઘર પાસે જઇ ગાળાગાળી કરતો હોઇ તેને  સમજાવવાની કોશિશ કરાઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા આ શખ્સે ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને જાતિ અપમાનિત કર્યા હતા. આ અંગે ગુનો નોંધાયા બાદ પોલીસે તેને પકડી પાડયો હતો.  તેણે જામીન ઉપર છૂટવા કોર્ટમાં  અરજી કરી હતી. આ શખ્સ એક જ પ્રકારના ગુના કરવાથી ટેવાયેલો છે. તેના ઉપર અન્ય ત્રણ ગુના નોંધાયેલા છે. એટ્રોસિટીના અન્ય ગુનામાં પણ તેને ત્રણ વર્ષની સજા થઇ હતી વગેરે સરકારી વકીલની  દલીલોને ગ્રાહ્ય રાખી આ શખ્સના જામીન નકારી દેવામાં આવ્યા હતા. આ ત્રણેય કેસમાં સરકાર તરફે સરકારી વકીલ હિતૈષીબેન પી. ગઢવી હાજર રહ્યાં હતાં. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer