મેઘપર (કું.)ના એક મકાનનો બારોબાર સોદો થતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં આવેલા સિદ્ધેશ્વર પાર્કના એક મકાન અંગે ખોટું પાવરનામું બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, ખોટો વેચાણ દસ્તાવેજ બનાવતાં એક દંપતી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.મેઘપર કુંભારડીના સિદ્ધેશ્વર પાર્ક મકાન નંબર 265માં રહેતા અને ભારાપરમાં શિક્ષક તરીકે કામ કરતા નટવરકુમાર અમૃતભાઇ દરજીએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીએ વર્ષ 2014માં વસંત નરોત્તમ પટેલ પાસેથી આ મકાન ખરીદયું હતું, જે માટે ફરિયાદીએ બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન પણ લીધી હતી અને મકાનના અસલ દસ્તાવેજ આ બેંકમાં જમા છે. આ ફરિયાદી બેંકના હપ્તા ભરતા હતા તે દરમ્યાન તેમને પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેઓ પોતાના ઓળખીતા અને વકીલ એવા ભચાઉના શામજી વેલજી દરજી પાસે આવ્યા હતા, જ્યાં આ આરોપીએ એક હપ્તો કાપીને રૂા. 4,85,000 આ ફરિયાદીને આપ્યા હતા. આ ફરિયાદી આ વકીલને નિયમિત હપ્તા ભરતા હતા. બાદમાં તેમની પરિસ્થિતિ બગડતાં હપ્તા ભરી શક્યા નહોતા તેવું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું, જેથી આરોપીએ ફરિયાદી પાસે આવી તેમની પાસેથી અસલ પાસપોર્ટ, પાનકાર્ડ અને ચાર કોરા ચેક લઇ લીધા હતા. બાદમાં તા. 17/1/ 2020ના આ ફરિયાદીને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં આ મિલકત કમળાબેન શામજી દરજીને પાવરનામું કરી દસ્તાવેજ કરી આ મિલકત સબરજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી હોવાનું બહાર આવ્યું હતું. આ ફરિયાદીએ આવું કોઇ જ પાવરનામું ન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer