આદિપુરની પરિણીતાનું પુત્ર સાથે રાપરથી ત્રણ વર્ષ પુર્વે અપહરણ કરી ગેરકાયદે નિકાહ કર્યા

રાપર, તા. 13 : તાલુકાના ડાવરી ગામની વતની અને આદિપુર ખાતે રહેતી પરિણીતાનું ત્રણ વર્ષ પુર્વે રાપરથી પુત્ર સાથે અપહરણ કરી બળજબરીપુર્વક નિકાહ કરાવી ગોંધી રાખી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે રાપર કોર્ટમાં ફરીયાદ કરાયા બાદ અદાલતના આદેશ બાદ આજે ફોજદારી નોંધાવાઈ હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે ભોગ બનનાર પરિણીતાની માતાએ આરોપીઓ આમીન જાનમામદ નોડે, આમદ કરીમ સોઢા, મદીના આમદ સોઢા, અને માંડલના શેખ માહેમદમુજજમીલ હુશેન સામે અપહરણ, સહીતની વિવિધ કલમો તળે ફરીયાદ નોંધાવી છે. આરોપીઓએ આ બનાવને ગત  તા. 7.7.2019થી આજ દિજ સુધીના ગાળામાં અંજામ આપ્યો હતો. ફરીયાદીની પુત્રીના પ્રથમ લગ્ન ખાંડેક થયા હતાં. અને તેણીને બે પુત્રો હતાં. છુટાછેડા બાદ બીજા લગ્ન આદિપુર ખાતે થયા હતાં.  તેણી એક પુત્રને સાથે લઈ ગઈ હતી. અને બીજા પુત્રને  માતા પાસે રાખ્યો હતો. ગત 7 જુલાઈ-2019ના આદિપુરથી ડાવરી આવવા નીકળી હતી. આ દરમ્યાન આરોપીઓએ તેણીનું સગીર પુત્ર સાથે બળજબરીપુર્વક અપહરણ કરી છેતરીને લઈ ગયા હતાં. ભોગ બનનાર યુવતી પરિણીત છે તે જાણતા હોવા છતા આરોપીઓએ બળજબરી પુર્વક તેણીના આરોપી આમીન જાનમામદ નોડે સાથે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે નિકાહ કરાવી બળજબરીપુર્વક ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે. બાદમાં વર્ષ 2019થી આજદિન સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી આરોપીઓએ પરિણીતા અને તેના પુત્રને ગોંધી રાખી છે.પરિણીતાના તેના પુત્ર સાથે આદિપુરથી ડાવરી જવા નીકળ્યા બાદ  મોડે સુધી ધરે ન પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યાં હતાં. ફોન ઉપર સંપર્ક ન થતા આ અંગે આદિપુર પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ કરાવાઈ હતી. શોધખોળ ચાલુ રાખી ત્યારે ફરીયાદીને શંકા હતી તે મુજબ આરોપીઓએ  તેમની પુત્રીનું અપહરણ કરી ગેરકાયદે નિકાહ કરાવ્યા હોવાનુ માલુમ પડયું હતું. માંડલ ખાતે તપાસ કરતા ત્યાં મસ્જીદમાં  ગેરકાયદે નિકાહ કરાવ્યા હતાં. ઓગષ્ટ-2019માં રાપર બસ સ્ટેશન પાસે એક અજાણ્યા વ્યકિઐતએ ફરીયાદીની તેની દીકરી સાથે વાત કરી હતી. આ દરમ્યાન આરોપીઓ તેણીને અને તેના પુત્રને વેંચી નાંખવા માંગતા હોવાની વાત પુત્રીએ કરી હતી. અને. આરોપીઓએ મોબાઈલ ફોન પણ છીનવી લીધો હોવાનું ભોગ બનનારે માતાને કહ્યું હતું. આરોપીઓએ  માતા-પુત્રને માંડલમાં ગોંધી રાખ્યા હોવાની જાણકારી મળી હતી. આરોપીઓના કબ્જામાંથી છોડાવવા માટે સમાજના આગેવાનો  અને. કુટુંબીજનોને સમાધાન માટે મોકલ્યા હતાં. પરંતુ  આરોપીઓએ કબ્જો આપ્યો ન હતો.  ફરીયાદી મહિલાએ આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવવા અનેક વખત  પોલીસ મથકના ધક્કા ખાધા હતાં આખરે કોર્ટમાં ફરીયાદ કરી હતી. રાપરની કોર્ટે આરોપીઓ સામે ફરીયાદ નોંધવા હુકમ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે રાપર તાલુકામાં ભારે ચકચાર પ્રસરી છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer