કંડલા બંદર પર હિટાચી-થાંભલા વચ્ચે આવી જતાં યુવાનનું અકાળે મોત

ગાંધીધામ, તા. 13 : કંડલાના દીનદયાળ પોર્ટમાં હિટાચી મશિનમાં ગ્રીસ લગાવતા સત્યપાલ રામવિલાસ યાદવ (ઉ.વ. 23) મશિનના બકેટ અને લોખંડના થાંભલા વચ્ચે આવી જતાં તેનું મોત થયું હતું. બીજીબાજુ મીઠીરોહરમાં લાકડાના પ્લોટમાં માલ ખાલી કરવા આવેલ અખિલેશ રાજેશ્વર ભગત નામનો યુવાન પગપાળા જઇ રહ્યો હતો ત્યારે રિવર્સમાં આવતા હિટાચીએ તેને હડફેટમાં લેતાં તેનું પણ તત્કાળ મોત થયું હતું.કંડલાના દીનદયાળ પોર્ટ ગોદામ નંબર 28માં ગઇકાલે આ જીવલેણ બનાવ બન્યો હતો. રિશિ શિપિંગમાં સત્યપાલ નામનો યુવાન હિટાચી મશિન ઝેડ. એક્સ. 210 સિરીઝ?નંબર 42વાળું ચલાવતો હતો. ગઇકાલે આ યુવાન યુરિયા ખાતરમાં મશિન ચલાવી રહ્યો હતો બાદમાં તે પોતાના આ મશિનના બકેટમાં ગ્રીસ લગાડી રહ્યો હતો ત્યારે તેની મદદે બિરમલ માધો યાદવ નામનો શખ્સ અન્ય મશિન લઇને ત્યાં આવ્યો હતો. મદદે આવેલો આ શખ્સ મરણ જનાર જે મશિન ચલાવતો હતો તેમાં ચડયો હતો અને લીવર આપતાં મશિનનું બકેટ આગળ થતાં નીચે બેઠેલો સત્યપાલ આ બકેટ?તથા લોખંડના થાંભલા વચ્ચે આવી જતાં તેને ગળામાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રિશિ શિપિંગના સાહિલસિંઘ છગનસિંઘ ખેરાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક જીવલેણ બનાવ મીઠીરોહરમાં રિશિ બોન્ડની બાજુમાં સ્વસ્તિક પ્લોટમાં બન્યો હતો. આ પ્લોટમાં અખિલેશ ભગત વાહન નંબર જી.જે. 12 વાય. 7080વાળું લઇને માલ ખાલી કરવા ગયો હતો. તે પોતાના વાહનમાં ઉતરીને પગપાળા જઇ રહ્યો હતો દરમ્યાન, રિવર્સમાં આવતા હિટાચી લોડર વાહન નંબર જી.જે. 12 ઇ. 8057એ આ યુવાનને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ?જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ લોડરચાલક વિરુદ્ધ સંતોષ પાલ ગુરુચર ભગતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer