ગાંધીધામમાં દુકાનો પચાવી પાડનારા પિતા-પુત્ર સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ

ગાંધીધામ, તા. 13 : શહેરની મુખ્ય બજારમાં આવેલી સોનાની લગડી સમાન બે દુકાનોમાં  ગેરકાયદેસર કબજો કરી અન્યને ભાડે આપી ભાડું ખાનારા પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસ મથકે લેન્ડગ્રેબીંગની ફરિયાદ નોંધાઇ હતી તેમજ ભચાઉના હલરાની સીમમાં આવેલી જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરનારા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ થઇ હતી.શહેરના  શક્તિનગરમાં  રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા પદમાબેન વિનોદ બલવાણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીએ  વર્ષ 2004માં  વોર્ડ-12-એમાં દુકાન નંબર 49 રમેશ પી. ખુશલાની તથા ગોપાલ પી. ખુશલાની પાસેથી  ખરીદી હતી તેમજ દુકાન નંબર 50 પૂજા અશોક ખુશલાની પાસેથી ખરીદી હતી.બાદમાં વર્ષ 2010માં  જી.કે. ફ્રીડમ ફેશન્સ લિમિટેડ મુંબઇના અનિલ લખવાણી તથા પ્રકાશ લખવાણીને નવ વર્ષ માટે ભાડે આપી હતી. જે ભાડા કરાર વર્ષ 2019માં  પૂર્ણ થયો હતો. આ અનિલ તથા પ્રકાશ લખવાણીના લક્ષ્મણ ઉર્ફે લખ ગુવાલાણી તથા મનિષ લક્ષ્મણ ગુવાલાણી વચ્ચે સારા સંબંધ હતા, જેના કારણે આ લક્ષ્મણ તથા તેનો દિકરો મનિષ ગુવાલાણીએ આ બે દુકાનોમાં ગેરકાયદેસરનો કબજો કરી લીધો હતો. અને બાદમાં તે દુકાનો દિપક લખવાણીને ભાડે આપી તેનું ભાડું ખાય છે. દુકાનોનો કબજો ખાલી કરવાનું કહેવા છતાં આ શખ્સોએ  દુકાનો ખાલી ન કરતાં મહિલાએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. ત્યાંથી લીલીઝંડી મળતાં પોલીસે આ બાપ-દિકરા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની કલમો તળે ગુન્હો નોંધ્યો હતો.બીજી બાજુ ભચાઉના રામપરમાં રહેતા હિતેશ પુંજાભાઇ છુછિયા (સંઘાર)એ હોથી ખેંગાર છુછિયા, ભુરા ખેંગાર છુછિયા અને હરધોસ ખેંગાર છુછિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની કલમો તળે ગુન્હો નોંધાવ્યો હતો. આ ફરિયાદી અને તેમના ભાઇ હિતેશ છુછિયાના નામે હલરા ગામની સીમ સર્વે નંબર 189/પૈકી 1 વાળી જમીન આવેલી છે.ગત વર્ષ 2016માં આ ફરિયાદી પંચાયતમાં  જમીનની વિઘોટી ભરવા જ્યાં ત્યાં આરોપી  હરધોસ મળ્યો હતો અને હવે પછી અહીં આવવા ધમકી આપી હતી અને જમીનમાં કબજો કરી તેમાં ઓરડી બનાવી પાકનું વાવેતર કર્યું હતું. આ અંગે  અનેક વખત કહેવા છતાં આ ત્રણેય શખ્સો કબજો ખાલી કરતા નહોતા. અંતે આ અંગે જિલ્લા સમાહર્તા સમક્ષ રજૂઆત કરાઇ હતી, જેના આધારે સામખિયાળી પોલીસે આ ત્રણેય વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની કલમો તળે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer