કચ્છમાં વેટરનરી કોલેજ માટેનાં ચક્રો ગતિમાન

કિશોર ગોર દ્વારા - ભુજ, તા. 13 : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભુજ ખાતે કચ્છને વેટરનરી હોસ્પિટલ આપવાની જાહેરાત કરી હતી તે સંદર્ભે હવે ચક્રો ગતિમાન થયા હોવાનું જાણવા મળે છે.ગાંધીનગરથી કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડો. કેલાવાલાએ કચ્છમાં વેટરનરી કોલેજ સ્થાપના માટે જમીનની ઉપલબ્ધતા ચકાસવા પશુપાલન વ્યવસાયવાળા વિસ્તાર ઢોરી, સુમરાસર, રૂદ્રાણી તેમજ ભુજ શહેરની આજુબાજુના વિસ્તારની જાત મુલાકાત લીધી હતી. કામધેનુ યુનિ.ના રજિસ્ટ્રાર ડો. બ્રહ્મભટ્ટ અને વેટરનરી કોલેજ જૂનાગઢના પ્રિન્સિપાલ ડો. પી. એચ. ટાંક સાથે રહ્યા હતા.સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલે આ બાબતે વિગતવાર ચર્ચા કરી સ્થળ સંબંધી સૂચનો કર્યા હોવાનું ઉપરાંત સેડાતા ખાતે આવેલા સુપાર્શ્વ મિત્રમંડળ સંચાલિત કરૂણાધામ પશુ હોસ્પિટલની મુલાકાત લઇ કૌશલ મહેતાને મળ્યા હોવાનું વિગતો પ્રાપ્ત થઇ હતી.વેટરનરી કોલેજનો અભ્યાસક્રમ ધો. 12 સાયન્સ પછી સાડા પાંચ વર્ષનો છે, તેમાં સ્નાતક થનારાને ગુજરાત સરકારમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2ની જગ્યા ઉપર નિમણૂક મળવાપાત્ર થાય તદુપરાંત વિવિધ ડેરીઓમાં, ખાનગી ફાર્માસ્યુટીકલ કંપનીમાં સંશોધન ક્ષેત્રે, વેટરનરી કોલેજોમાં પ્રોફેસર તરીકે નોકરીની તકો રહેલી છે.વેટરનરી કોલેજનું માળખું ઊભું કરવા અંદાજે 50થી 60 એકર જમીન જરૂરી હોય છે, જેમાં પશુ ચિકિત્સા હોસ્પિટલ, લાઇવ સ્ટોક ફાર્મ, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, એગ્રીકલ્ચર ફાર્મ, પ્રોફેસર તેમજ સ્ટાફ માટે ક્વાર્ટર વગેરે સુવિધા ઉપરાંત અલગ-અલગ જગ્યાએ સારવાર અને સંશોધન માટે સબ સેન્ટર શરૂ કરવાના રહે. કામધેનું યુનિ. હસ્તક હાલે ચાર વેટરનરી કોલેજ આવેલી છે જેમાં જૂનાગઢ, આણંદ, દાંતીવાડા અને નવસારી ખાતે છે.કચ્છને વેટરનરી કોલેજ મળવાથી ઘણા પ્રશ્નો હલ થઇ શકે જેવા કે જિલ્લા પંચાયત હસ્તક 36 પશુ દવાખાના છે જેમાં પશુ ચિકિત્સકની 11 જગ્યા ભરેલી છે, બાકીની ખાલી છે. કચ્છમાં પશુ ચિકિત્સકોની ઘટનો પ્રશ્ન કાયમી છે જેનું કારણ સ્થાનિકે પશુ ચિકિત્સક મળતા ન હોવાનું છે.કચ્છ જિલ્લાની બન્ની ભેંસ, કાંકરેજ ગાય, કચ્છી અને ખારાઇ?ઊંટ, કચ્છી બકરા, કચ્છી સિંધી અશ્વની ઓલાદોને રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા મળી છે.પશુધન પણ વિશાળ સંખ્યામાં છે. ગાય-ભેંસ વર્ગના 10.40 લાખ, એટલાં જ ઘેટાં-બકરાં ઉપરાંત અન્ય પ્રાણીઓ અલગ.આમ, કચ્છમાં પશુ ચિકિત્સા મહાવિદ્યાલય શરૂ થવાથી પશુ આરોગ્ય, પશુ સંવર્ધન અને પશુપાલન અંગેના વિશેષ સંશોધનો પણ શરૂ થશે. છેલ્લા દાયકામાં સારો એવો વિકાસ સાધનાર ડેરી ઉદ્યોગને પણ વિશેષ પ્રોત્સાહન મળતાં ગ્રામીણ રોજગારીને પૂરક બળ મળશે.શ્રી રૂપાણીની જાહેરાત બાદ વેટરનરી કોલેજના ચક્રો ગતિમાન કરવા સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા રજૂઆતો થતી રહી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer