કચ્છમાં કોવિડના નિયંત્રણ 22મી સુધી લંબાવાયા

ભુજ, તા. 13 : નોવેલ કોરાના વાયરસ કે જેને હૂ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવતાં સરકારના ગૃહ વિભાગના હુકમ પ્રમાણે કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.વર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી કેટલાક ફેરફારો સાથેના સમગ્ર રાજ્યમાં અમલમાં આવેલા નિયંત્રણોની અવધિ તા. 22/01 સુધી લંબાવવામાં આવી છે. કચ્છના કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા સમ્રગ કચ્છ જિલ્લામાં આ મુજબના નિયંત્રણો ફરમાવાયા છે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા કે જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ 150 વ્યકિતઓ પરંતુ, બંધ જગ્યાએ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 150 વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગે ખુલ્લામાં મહત્તમ 150 વ્યકિતઓ પરંતુ, બંધ જગ્યાએ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 150 વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. જે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 (એકસો) વ્યકિતઓની મંજૂરી. પબ્લિક તેમજ ખાનગી બસ ટ્રાન્સપોર્ટ અંતર્ગત નોન એસી બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે જ્યારે એસી બસ સેવાઓ મહત્તમ 75 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કફર્યુમાંથી મુકિત આપવામાં આવે છે. સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક તથા સ્વિમિંગ પુલ, વાંચનાલયો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના 50 ટકાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 10 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.ધો. 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સુધીના કોચિંગ સેન્ટરો/ટયૂશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધીન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત  સાથે યોજી શકાશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ / સ્પોર્ટસ સ્ટેડિયમ / સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યકિતઓ માટે વેકિસનના બંને ડોઝ ફરજિયાત રહેશે. જિલ્લાના તમામ નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ તેમજ સરકાર દ્વારા જાહેર કરાતી કોરોના કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer