`એકવીસમી સદીનું કચ્છ'' વિશે નિબંધ સ્પર્ધામાં મહિલાઓ રહી અગ્રસ્થાને

ભુજ, તા. 13 : ગ્રામવિકાસના સ્વપ્નદૃષ્ટા કાંતિસેન શ્રોફ જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે યુવા પ્રતિભાઓ માટે વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયૂટ-માંડવી દ્વારા કચ્છ શક્તિ-મુંબઈના સૌજન્યથી યોજાયેલી `એકવીસમી સદીનું કચ્છ' વિષયક નિબંધ સ્પર્ધામાં 78 મહિલા અને 16 પુરુષ સહિત 94 સ્પર્ધકે ભાગ લઈને નિબંધો મોકલ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેવામાં અગ્રેસર રહેલી ત્રીઓને કારણે સ્વાભાવિક રીતે જ પ્રથમ પાંચ ક્રમાંકે વિજેતાઓમાં પણ તેઓ અગ્રેસર રહી છે.કાંતિસેન શ્રોફના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે યુવા પ્રતિભાઓ માટે આ નિબંધ સ્પર્ધા જાહેર કરવામાં આવી હતી. સ્પર્ધામાં 94 નિબંધોમાંથી પરિણામો જાહેર થતાં પ્રથમ ક્રમાંકે ક્રિષ્ના એચ. મહેશ્વરી-બિદડા, દ્વિતીય ક્રમાંકે ઋષિકા જી. ધોળુ-સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયૂટ-ભુજ, તૃતીય ક્રમાંકે ઘનશ્યામ એસ. ગરવા-ખોંભડી (નખત્રાણા), ચોથા ક્રમાંકે અંજલિ કે. પંડયા-ભુજ અને પાંચમા ક્રમાંકે કિરણચંદ્રિકા પી. મહેતા-બિદડા જાહેર થયા છે.આ વિજેતાઓમાં પ્રથમ ક્રમાંકને રૂા. 7500, દ્વિતીય ક્રમાંકને 5500, તૃતીય ક્રમાંકને 4500, ચતુર્થ ક્રમાંકને રૂા. 3000 અને પાંચમા ક્રમાંકને રૂા. 2000નો રોકડ પુરસ્કાર ઉપરાંત શિલ્ડ એનાયત કરવા ઉપરાંત ભાગ લેનાર તમામને પ્રમાણપત્રો આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, શતાબ્દી વર્ષના કાર્યક્રમોની જાણ થતાં કચ્છ શક્તિ-મુંબઈના હેમરાજ શાહે નિબંધ સ્પર્ધા યોજવાનું સૂચન કરીને સહકારનો હાથ લંબાવ્યો હતો. આ નિબંધ સ્પર્ધાની વિશેષતા એ છે કે, ભુજ સ્થિત શૈક્ષણિક સંસ્થા સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયૂટ દ્વારા તેમાં અભ્યાસ કરતી 45 વિદ્યાર્થિનીઓ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા આપીને દાખલો બેસાડયો છે. `21મી સદીનું કચ્છ' કેવું હોવું જોઈએ તેના વિચારો નિબંધ સ્પર્ધાના માધ્યમથી યુવા પ્રતિભાઓએ વ્યક્ત કર્યા છે. તે બદલ સ્પર્ધાના નિર્યાણકો હરેશ ધોળકિયા અને નિરૂપમ છાયાએ સૌને બિરદાવ્યા હતા. આયોજક સંસ્થા દ્વારા વિજેતાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ અનુકૂળ સમયે યોજાશે તેવું ગોરધન પટેલ `કવિ'એ જણાવ્યું છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer