બન્ની-પચ્છમની નવી પેઢીની કલમમાંથી સાહિત્ય ફૂટે છે

બન્ની-પચ્છમની નવી પેઢીની કલમમાંથી સાહિત્ય ફૂટે છે
તુગા (પચ્છમ), તા. 13 : તાજેતરમાં એ.એફ.યુ.બી. હાઇસ્કૂલ-તુગા (પચ્છમ) ખાતે આઝાદી કા અમૃતોત્સવ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રિય સાહિત્ય અકાદમી-મુંબઇ તેમજ બન્ની સિંધુ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે `ગ્રામાલોક' સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતા. જામ કુનરિયાના સરપંચ આચારભાઇ મંઘાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ કવિ સંગોષ્ઠિમાં ડો. મહાદેવ લોહાણા, અનવર સમા, મિઠાખાન સુમરા તેમજ ઇબ્રાહીમ સુમરાએ સ્વરચિત રચનાઓ રજૂ કરી હતી. ડોક્ટર લોહાણાએ ગ્રામ્ય સ્તરે આ પ્રકારની પ્રવૃત્તિ થઇ રહી છે તે બદલ સાહિત્ય અકાદમી તેમજ સહકારી સંસ્થા પ્રત્યે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. સાહિત્ય અકાદમી સિંધી સલાહકાર સમિતિના સભ્ય કલાધર મુતવાએ સ્વાગત પ્રવચન આપતાં કહ્યું હતું કે, `બન્ની-પચ્છમમાં જેમ જેમ શિક્ષણ વધી રહ્યું છે તેમ તેમ નવી પેઢીની કલમમાંથી સાહિત્ય ધારા પણ ફૂટી રહી છે જે આનંદની વાત છે. જૂની પેઢીના લોકો પોતાની રીતે શાયરી કરતા હતા પરંતુ તે પ્રકાશિત થઇ શકી નહોતી અને તેનું કોઇ દસ્તાવેજીકરણ ન થઇ શક્યું જેનો વસવસો છે. અમારી સંસ્થા બન્ની-પચ્છમમાં નવા લેખકો-કવિઓ પેદા થાય, આ પ્રકારના સાહિત્યનું દસ્તાવેજીકરણ થાય એ દિશામાં પ્રયત્નો કરી રહી છે.' આ અવસરે અમીન શેરમામદ સમાએ વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમમાં દિનારા આરોગ્ય કેન્દ્રના ડો. ખત્રી, નિવૃત્ત આરોગ્ય કર્મચારી સુલેમાનભાઇ સમા, સામાજિક કાર્યકર ઉમર સમા, જુણસ સમા, હાસમ પીરા સમા, હારુન સુમરા, તલાટી અમીનભાઇ સમા તેમજ અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કવિઓ તેમજ અગ્રણીઓનું હાઈસ્કૂલ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન રશીદભાઇ સમાએ તેમજ આભારવિધિ ગનીભાઇ સમાએ કરી હતી. શાળાના આચાર્ય હીરેનભાઇ દાવડા, સતારભાઇ સમા તેમજ અન્ય સ્ટાફમિત્રો આયોજનમાં સહકારી બન્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer