ગાંધીધામમાં રાજ્યભરના મીઠાઈ-ફરસાણ ઉત્પાદકોને તોલમાપ અંગે અપાઈ સમજ

ગાંધીધામમાં રાજ્યભરના મીઠાઈ-ફરસાણ ઉત્પાદકોને તોલમાપ અંગે અપાઈ સમજ
ગાંધીધામ, તા. 13 : ગુજરાત રાજ્ય મીઠાઈ -ફરસાણ ઉત્પાદક એસોસિએશનની ગાંધીધામ ખાતે  મળેલી બેઠકમાં લીગલ મેટ્રોલોજી અને ગ્રાહક સુરક્ષા કાયદા નિયમોની જાણકારી આપતો  કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના તમામ જિલ્લાના મીઠાઈ-ફરસાણ ઉત્પાદકો  મોટી સંખ્યામાં હાજર રહયા હતા.સંગઠનની આ બેઠકમાં  તોલમાપ વિભાગ  અને ખોરાક -ઔષધ  નિયમન  તંત્રે કાયદા અને નિયમોની  વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી. રાજ્યના તોલમાપ વિભાગના વિભાગીય નાયબ નિયંત્રક એન.એમ. રાઠોડ દ્વારા  તોલમાપનો કાયદો, પેકેજ કી મોનીટીઝ રૂલ્સ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019ની વિવિધ જોગવાઈઓની માહિતી આપી હતી. આ ઉપરાંત તેઓએ  ઉત્પાદકો અને વેપારીઓએ કઈ -કઈ બાબતોનુ ધ્યાન રાખવું અને કઈ બાબતનું પાલન કરવું તેના ઉપર પ્રકાશ પાડયો હતો. ઉપસ્થિતોને કાયદાની માહિતી આપતું સાહિત્ય પણ વિતરણ કરાયુ હતું.ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સી.એસ. ગોહિલે પણ  જરૂરી નિયમનો સહિતની બાબતે  વિગતો  આપી હતી.એસો.ના પ્રમુખ કમલેશભાઈ તથા ચેરમેન કિશોરભાઈ શેઠે કાયદા-નિયમો અંગે આપવામાં આવેલી માહિતીનું પાલન કરવા  અનુરોધ કર્યો હતો. ભવિષ્યમાં  પણ આ જ પ્રકારે સરકાર દ્વારા સહકાર મળતો રહેશે તેવી આશા વ્યકત કરી હતી. ઉત્પાદકો દ્વારા સરકારી તંત્રને સહયોગ મળી રહેશે. તેમજ સરકારના કાયદા-નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવા તમામ પ્રયત્નો એસો. વતી કરવાની નેમ  આ વેળાએ વ્યકત કરાઈ હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા મિઠાઈ-ફરસાણ  ઉત્પાદકો, કચ્છ જિલ્લા તોલમાપ વિભાગના અધિકારી વી.કે. પટેલ, તેમના નિરીક્ષકો, ફલાઈંગ સ્કવોર્ડ નિરીક્ષક, ખોરાક અને ઔષધ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ સહકાર આપ્યો હતો. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer