ગાંધીધામનાં લેખિકાની ઓનલાઇન નવલકથા ત્રીજા નંબરે વિજેતા બની

ભુજ, તા. 13 : 2021ની સૌથી મોટી ઓનલાઇન નવલકથા સ્પર્ધામાં 36 નવલકથામાંથી ગાંધીધામના લેખિકા પલ્લવી કોટકની કૃતિ `વીરા' ત્રીજા નંબરે વિજયી થઇ હતી.`મારી નાખ્યો મેં એ દરેક જણને જેણે મારી અંદર રહેલી મને મારી હતી' કહેતી વીરા એક સાઇકોલોજિકલ થ્રિલર વાર્તા છે. એક એવી યુવતીની કથા જે નાનપણથી જ શોષણનો ભોગ બને છે અને બે જાતથી માનસિકતામાં જીવે છે, હત્યાઓ પણ કરે છે અને પીડિતોની મદદ પણ કરે છે. શોપિઝન નામની અમદાવાદ બેઝડ વેબસાઇટ જે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી અને બંગાળી પાંચ ભાષાઓમાં સાહિત્ય પીરસે છે અને સમયાંતરે વિવિધ સ્પર્ધા યોજે છે. વર્ષ 2021માં તેમણે વરસની સૌથી મોટી ઓનલાઇન સ્પર્ધાની જાહેરાત કરી હતી. જેના માટે લગભગ ત્રણ મહિના જેટલો સમય આપવામાં આવેલો. શોપિઝનના સ્થાપક સીઇઓ ઉમંગભાઇ ચાવડાના જણાવ્યા મુજબ ચાર જજીસની પેનલે નવલકથાઓનું મૂલ્યાંકન કથાનું થીમ, રજૂઆત, પાત્રાલેખન, ભાષા, વ્યાકરણ વગેરેના આધાર પર કર્યું હતું અને તા. 1 જાન્યુ. '22ના પરિણામ જાહેર થયું જેમાં ગાંધીધામની પલ્લવી સોમેશ કોટકની નવલકથા `વીરા' ત્રીજા નંબરે ઘોષિત થઇ હતી. પલ્લવી કોટકની અન્ય સ્પર્ધાઓની વિજયી વાર્તાઓમાં `ડમરી', `યે તેરા ઘર યે મેરા ઘર', `ઓથ', `ધુમ્મસની આરપાર' વગેરે છે. તેઓ કચ્છમિત્રની તેજસ્વિની પૂર્તિમાં ચાલતી `પમરાટ' કોલમના લેખિકા છે.