માળખાંકીય સુવિધાના અભાવે ગાગોદરના અનુ.જાતિ પરિવારના લોકો મુશ્કેલીમાં

રાપર, તા. 13 : તાલુકાના ગાગોદર ગામના અનુ.જાતિ પરિવારના લોકોને પડતી મુશ્કેલીઓ અંગે અમદાવાદના સાંસદ અને પાર્લામેન્ટની એસ.સી., એસ.ટી.કમીટીના ચેરમેન સમક્ષ પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.ગાગોદરમાં આંબેડકર વાસમાં મોટા બ્રીજ પાસે રહેતા અનુ.જાતિના 150 જેટલા પરિવારો માળખાંકીય તેમજ અન્ય સુવિધાના અભાવે  મુશ્કેલીમાં મુકાયા છે. પત્રમાં જણાવ્યાપ્રમાણે અનુસુચિત જાતીના લોકોના રહેણાંક વિસ્તારમાં પાયાની સુવિધાઓ આજદિન સુધી પુરી પાડવામાં આવી નથી. ગામની પડતર  ખરાબા વાળી જમીન પંચાયતમાં ઠરાવ પસાર કરી દરેક વ્યક્તિને પ્લોટ ફાળવી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રહેણાંક બનાવી આપવા પત્રમાં માંગ કરાઈ છે. આ ઉપરાંત  સ્મશાનભુમિમાં 15માં નાણાપંચ હેઠળ ગ્રાન્ટ ફાળવી કમ્પાઉન્ડ વોલ બનાવવા, લાઈટની ડી.પી. નાંખવા, બેઠક માટેની વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે.રહેણાંક વિસ્તારમાં આજ દિન સુધી વિકાસના કામો થયા ન હોઈ પેવર બ્લોક, સીસી રોડ, કોમ્યુનીટી હોલ, જાહેર શૌચાલય,  સ્ટ્રીટ લાઈટ સહીતની સુવિધા  વિકસાવવા પત્રમાં માંગ કરાઈ છે તેમજ આ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા સમયાંતરે સફાઈની કામગીરી, પાણીની પાઈપલાઈન, પશુઓ પાણી પી શકે તે માટે અવાડા બનાવવા, ગટરલાઈન, સ્વચ્છતા જળવાય તે માટે સુકા અને ભીના કચરાની અલગ અલગ કચરા પેટી રાખવા સહીતની માંગ કરાઈ છે. ગામની મોજણી યાદીમાં અનુસુચિત જાતીના લોકો જે ખરેખર જરૂરીયાતમંદ પરિવારોનો સમાવેશ કરી નવી યાદી બહાર પાડવા અનુરોધ કરાયો છે. સેંકડો પરિવારજનોના હીતમાં આ દિશામાં ત્વરીત કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer