તેરા અને લઠેડીમાં લોકોની ભાગીદારી સાથે તળાવો સુધારવાનું કામ આરંભાયું

નલિયા, તા. 13 : અબડાસાના તેરા અને લઠેડી ગામે સ્વૈચ્છિક સંસ્થા અને લોકભાગીદારીથી બે તળાવો સુધારણાનું કામ શરૂ કરાયું છે.સ્વ. કાંતિસેન શ્રોફ (કાકા)ની જન્મ શતાબ્દી અંતર્ગત કચ્છ જળ મંદિર અભિયાન કાર્યક્રમ હેઠળ તેરા અને લઠેડી ગામે જળમંદિર અંતર્ગતની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં તેરા ગામે તળાવ ઊંડા કરવા માટે ખોદકામ, મશીનરી અને ડીઝલ ખર્ચ સંસ્થા આપશે જ્યારે માટી ખસેડવા માટે ચાર ટ્રેક્ટરનો સહયોગ તેરા પાંજરાપોળ આપી રહી છે. કાર્યક્રમના આરંભે સંસ્થાના મંત્રી જયેશભાઈ લાલકા, તેરાના સરપંચ લખમશી ભાનુશાલી, માજી સરપંચ આદમભાઈ લોધરા, પ્રવીણભાઈ દંડ, મહેન્દ્રભાઈ ખોના, ગિરિશભાઈ શાહ, મામદભાઈ કુંભાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.લઠેડી ગામે મડદદાદાના સ્થાનકે લોક વિનાયક ટ્રસ્ટ સંચાલિત ગૌ શાળાના ઉપયોગ માટેનું તળાવ  ઊંડું  કરવા મડદદાદા અઘોરમાં સીમ તળાવડીના ખોદકામનું ખાતમુહૂર્ત પૂજારી વેલજીભાઈ, કચ્છ ઘાસચારા ફળઝાડ વિકાસ ટ્રસ્ટના પ્રતિનિધિ ખેતશીભાઈ મહેશ્વરી (માસ્તર) વગેરેના   હસ્તે  કરવામાં આવ્યું હતું. માટી ઉપાડના કામ માટેના સાધનો તેમજ મજૂરી ખર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer