શિક્ષણનાં માધ્યમથી બાળકોને આદર્શ યુવાન બનાવવા અનોખું અભિયાન

ભુજ, તા. 13 : અદાણી ફાઉન્ડેશન દ્વારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર આપી યૌવનધન તૈયાર કરવામાં આવી રહ્યું છે.  મુંદરા તાલુકાના સાત ગામમાં આ ક્ષેત્રે મળેલી સફળતા હવે મુંદરા મોડેલ તરીકે આગળ વધી રહી છે અને આ મોડેલ રાજ્યની 81 શાળાઓમાં  આદર્શ યુવાનોનું નિર્માણ કરી રહ્યું છે.રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ઉત્થાન પ્રોજેકટ દ્વારા ઊર્જાવાન યુવાન તૈયાર કરવા ભલે શિક્ષણનું મહત્ત્વ વધુ હોય પરંતુ, તેના કેન્દ્રસ્થાને તો બાળકોની માતાઓને જ  અગ્રસ્થાન આપવામાં આવે છે. બાળકોમાં કયા સમયે કઈ જરૂરિયાત છે અને તે કેમ પૂરી કરવી તે માટે ઉત્થાન પ્રોજેક્ટ સતત માતાઓના સંપર્કમાં હોય છે. અને `મધર્સ મીટ' યોજવામાં આવે છે.કચ્છના અનેક શિક્ષણવિદો આ ઉત્થાન પ્રોજેકટથી પ્રભાવિત થયા છે. કચ્છ યુનિ.ના ગુજરાતીના સિનિ. પ્રાધ્યાપક દર્શનાબેન ધોળકિયાએ નોંધ્યું છે કે, આજના બાળકો આવતીકાલની યુવા શક્તિરૂપે આગળ આવે અને સમાજ તથા દેશના નિર્માણની જવાબદારી ઉપાડે તે માટે બાળકોમાં અત્યારથી જે ઉત્થાન પ્રોજેકટ દ્વારા ભાવિ યુવાઓની દશા અને દિશા તૈયાર કરવા કરાતું કાર્ય સરાહનીય છે.મુંદરા તાલુકાના સાત ગામની શાળાઓમાં આ ઉત્થાન પ્રોજેકટ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 2018માં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા. ત્રણ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે આ પંથક આગળ વધ્યો. આ શાળાના બાળકો માતા-પિતા સામે અંગ્રેજી બોલે ત્યારે વાલીઓમાં હર્ષની લાગણી જન્મે છે. હવે આ જ મોડેલ રાજ્યની 81 શાળામાં 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને યૌવનના ઉંબરે જ સર્વાંગી શિક્ષણ આપવામાં આવે છે. ખેલ મહાકુંભ અને જિલ્લાક્ષાના વિજ્ઞાનમેળામાં બાળકો ભાગ લે છે. બાલા પેઇન્ટિંગ દ્વારા શાળા સુશોભન ઉપરાંત પુસ્તકાલય પ્રવૃતિ મારફતે વિદ્યાર્થીઓને વૈશ્વિક બનાવવા ઇન્ટરનેશનલ સ્કૂલ લાઈબ્રેરી મંથ સાથે જોડી દેવામાં આવી છે.  ક્રોએશિયા, ઓસ્ટ્રેલિયા અને રશિયા જેવા 10 દેશોનો આમાં સમાવેશ થાય છે. શાળામાં નબળા બાળકોને `િપ્રય' બાળકો ગણી ખાસ ધ્યાન આપવામાં આવે છે.કોરોનાકાળમાં જ્યારે બાળકો શાળાથી વંચિત રહી ગયા હતા ત્યારે ઉત્થાનના શિક્ષકો દ્વારા ફોનકોલ, વ્હોટસએપ, વીડિયોકોલ, ગૂગલ મીટના માધ્યમથી અને જ્યારે કોરોના હળવો થયો ત્યારે રાજ્ય સરકારની અનુમતિથી શેરી શિક્ષણ, વિદ્યાર્થીઓના ઘરે જઇને અભ્યાસ કરાવ્યો. અત્યારે આ શિક્ષણરૂપી વીરડી બાળકોને યૌવન તરફ ડગ માંડતા કરી તેમનું ઉત્થાન કરાય છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer