જુ. હોકી વિશ્વકપ; ભારત-બેલ્જિયમની ટક્કર
ભુવનેશ્વર, તા. 30 : બે ધમાકેદાર જીતથી ફોર્મમાં વાપસી કરી ચૂકેલી ગત ચેમ્પિયન ભારતીય ટીમ એફઆઇએચ જૂનિયર હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં બુધવારે યુરોપીય સ્ટાર ટીમ બેલ્જિયમ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે ભારતીય હોકી ટીમની આશા શાનદાર ફોર્મમાં ચાલી રહેલા તેના ડ્રેગ ફ્લિક વિશેષજ્ઞ ખેલાડીઓ પર ટકેલી રહેશે. ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય ટીમને પહેલી મેચમાં ફ્રાંસ સામે 4-પથી આંચકારૂપ હાર મળી હતી. આ પછી વાપસી કરીને ભારતીય ટીમે કેનેડા સામે 13-1 અને પોલેન્ડ વિરુદ્ધ 8-2થી જોરદાર જીત મેળવીને પૂલ-બીમાં બીજા સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્રીજીવાર ચેમ્પિયન બનવા માટે ભારતીય યુવા હોકી ટીમ હવે દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. આ મેચ બુધવારે સવારે 10-30થી શરૂ થશે. 2016ના જૂનિયર હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે લખનઉમાં બેલ્જિયમ સામે 2-1થી જીત મેળવી હતી. જો કે એ મેચ અતીતનો હિસ્સો બની ચૂકી છે. બેલ્જિયમની ટીમ એ પછી પાંચ વર્ષમાં ઘણી મજબૂત બની છે. આ વખતનો મુકાબલો બરાબરીનો છે. જે ટીમ મોકાનો લાભ લેશે તે સેમિ ફાઇનલમાં પહોંચશે. ભારત પાસે ઉત્તમસિંઘ, અરાજીતસિંઘ હુંડલ, સુદીપ ચિરમાકો અને મનિન્દરસિંઘ જેવા સારા સ્ટ્રાઇકર છે. ઉપસુકાની સંજયકુમાર શદાનંદ તિવારી અને અભિષેક લાકડા સારા ફોર્મમાં છે. મિડ ફિલ્ડમાં અનુભવી વિવેક સાગર પ્રસાદ છે. જે ટોકિયો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતની સિનિયર ટીમનો હિસ્સો હતો. તે ટીમનો કપ્તાન પણ છે. તે કહે છે કે ટીમ બેલ્જિયમ સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર છે.