કચ્છની પ્રા. શાળાઓમાં એકલાખથી વધુ ભૂલકાંની હાજરી

કચ્છની પ્રા. શાળાઓમાં એકલાખથી વધુ ભૂલકાંની હાજરી
હેમંત ચાવડા દ્વારા - ભુજ, તા. 26 : કોરાનાના કારણે દોઢેક વર્ષના લાંબા સમયગાળા સુધી શાળાઓ બંધ રહ્યા બાદ ગત 22મી નવેમ્બરથી ફરી શાળાઓ શરૂ થતાં ઓફલાઇન શિક્ષણની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે, પ્રથમ દિવસે માત્ર 10 ટકાની હાજરી નોંધાયા બાદ શુક્રવારે એક સપ્તાહમાં જ 1,04,293ની સંખ્યા સાથે 47.58 ટકા નાના ભૂલકાંઓ શાળાએ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ બાદ ગત 22મી નવેમ્બરથી કોરોનાની માર્ગદર્શિકા સાથે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો. 1થી 5ના બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, કોરોનાનો ભય હજુયે સંપૂર્ણ ઓસર્યો ન હોવાના કારણે વાલીઓ નાના ભૂલકાઓને શાળાએ મોકલવામાં ખચકાટ અનુભવતા હોવાથી પ્રથમ દિવસે માત્ર 10 ટકા હાજરી નોંધાયા બાદ શુક્રવારે આ આંક 48 ટકાએ પહોંચ્યો હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિએ વિગતો આપતાં જણાવ્યું હતું.લાંબા સમયના અંતરાય બાદ શાળાઓ ખુલી હોવાથી સ્વાભાવિક રીતે નાના બાળકોને ભણવામાં રસ ઓછો હોય તેથી હાલ તેમને અભ્યાસની સાથે સાથે રમતગમત જેવી ઇત્તર પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી રહી છે. સાથે સાથે દરેક શાળામાં કોરોનાની ગાઈડલાઈનનું ખાસ ધ્યાન રાખી બાળકો વચ્ચે સોશિયલ  ડિસ્ટન્સ, હાથ સેનેટાઇઝ કરવા, બાળકો, શિક્ષકો અને શાળાના કર્મચારીઓ ફરજિયાત માસ્ક પહેરે અને આ સુચનાનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી રાખવા સાથે સાથે વધુમાં વધુ બાળકો શાળાએ પહોંચે તેવા પ્રયાસો જિલ્લાના પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું નાયબ જિલ્લા શિક્ષણાધિકારી નીલેશ ગોરે જણાવ્યું હતું.બીજી તરફ શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે વાલીઓ જાગૃત હોય તેમ સરેરાશ 60 ટકા બાળકોની હાજરી જોવા મળી છે, તો શહેરોમાં ચાલતી મતદાર સુધારણા કામગીરીમાં મોટાભાગના શિક્ષકો રોકાયેલા હોવાથી સરકારી કરતાં ખાનગી શાળાઓમાં વધુ હાજરી નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન ધો. 6થી 8 અને 9થી 12 અને કોલેજોમાંયે શિક્ષણકાર્યએ રફતાર પકડી હોય તેમ ધો. 6થી 8ના 65,486 અને ધો. 9થી 12ના 49,813 વિદ્યાર્થીઓ શાળાએ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી રહ્યા છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer