દેશનો દરેક વેપારી અર્થતંત્રનો આધારસ્તંભ

દેશનો દરેક વેપારી અર્થતંત્રનો આધારસ્તંભ
ગાંધીધામ, તા. 26 : દેશનો દરેક વેપારી દેશના અર્થતંત્રનો આધારસ્તંભ છે. આજના ગતિશીલ યુગમાં જે કામ થવામાં વર્ષો લાગતા હતા તે હવે દિવસોમાં થવા લાગ્યા છે તેવી લાગણી આજે અહીં ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે મળેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તેમજ રાજ્યની તમામ ક્ષેત્રિય ચેમ્બરના પ્રતિનિધિઓની સંકલન બેઠકમાં વ્યક્ત કરાઇ હતી.પ્રગતિશીલ એવા ગુજરાત રાજ્યમાં વેપાર-ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે વિકાસ સાથે ઉત્પન્ન થતી સમસ્યાઓનાં નિરાકરણ અર્થે વિચાર વિમર્શ કરતાં આ બેઠકનું આયોજન થયું હતું. ગાંધીધામ ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈને તમામ પ્રતિનિધિઓને આવકારતાં કહ્યું હતું કે, દેશનો જી.ડી.પી. અથવા રાજસ્વ વેપાર ઉદ્યોગ થકી હોય છે.દુનિયા હવે વૈશ્વિક ગામ (ગ્લોબલ વિલેજ) બની ગઇ છે. ભારત-પાકના ભાગલા બાદ સ્થપાયેલું ગાંધીધામ હવે દેશનું એક મહાનગર બનવા જઇ રહ્યું છે. દેશની આયાત-નિકાસનો 40 ટકા હિસ્સો કચ્છના બે મહાબંદર દ્વારા હેરફેર થાય છે તેવી વિગતો આપીને શ્રી જૈને આ બેઠક યોજવા ગાંધીધામની પસંદગી કરાતાં ગુજરાત ચેમ્બર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાત ચેમ્બરના પ્રમુખ હેમંત શાહે જણાવ્યું હતું કે, કચ્છ ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. બે મહાબંદર કચ્છમાં છે અને ભૂકંપ પછીનું કચ્છનું નવસર્જન વિશ્વ માટે બેજોડ ઉદાહરણ છે. હાલ રાજ્ય સરકાર વેપાર-ઉદ્યોગના વિકાસ માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તેમણે વેપાર-ઉદ્યોગના વિકાસ માટે સરકાર તરફથી તમામ સકારાત્મક પગલાં ભરવા ખાતરી આપી હતી. આજની આ બેઠક બાદ બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગો યોજવા તથા કેન્દ્ર સરકારની આગામી ગતિશક્તિ યોજના અંતર્ગત પહેલમાં સંલગ્ન પ્રશ્નો મૂકવા, કચ્છના મોટા વ્યાપારિક સંગઠનોને ચેમ્બરના સભ્ય બનવા આહ્વાન કર્યું હતું. ગાંધીધામ ચેમ્બર તરફથી શ્રી જૈને વ્યવસાય વેરો નાબૂદ કરવા, બેંકોમાં મોર્ટગેજ ચાર્જિસમાં ઘટાડો કરવો, ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો, કચ્છમાં વધુ હવાઇસેવા, રેલવેની ઇન્ટરસિટી, દિલ્હી માટે ?ટ્રેનો ફાળવવા, પૂર્વ કચ્છમાં મેડિકલ કોલેજ, એઇમ્સ કક્ષાની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આપવી, ધોળાવીરા તથા ગાંધી સમાધિ (આદિપુર)નો પ્રવાસનમાં સમાવેશ?કરવો, માંડવી બીચનો વિકાસ વગેરે મુદ્દા રજૂ કર્યા હતા. ભુજ ચેમ્બર ફેડરેશન દ્વારા કૃષિ ઉત્પાદનોને ઉદ્યોગનો દરજ્જો, ભુજને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવા, કૃષિ ઉત્પાદનો માટે કાર્ગો ફ્લાઇટ શરૂ કરવા, જમીન માપણીના કેસોમાં વધારાની માપણીની જમીનના ભાવોનું પુન: મૂલ્યાંકન કરવા રજૂઆત કરાઇ હતી.ગાંધીધામ ચેમ્બરના માજી પ્રમુખ?દિનેશભાઇ ગુપ્તાએ કહ્યું હતું કે, કંડલા મહાબંદરે ઊતરતો માલ ખાતે જ અનલોડ?થવાનો છે પરંતુ પીનકોડ બદલાઇ જવાથી ઇ-વે બિલ બનાવવું પડે છે. આ પ્રકારના અનલોડિંગના કિસ્સામાં બંદર ક્ષેત્રને લક્ષમાં લઇ ઇ-વે બિલમાંથી મુક્તિ આપવી જરૂરી છે. સર્વિસ ટેક્સ દ્વારા પાઠવાતી નોટિસ, જીઆઇડીસીમાં વેરહાઉસિંગને ઉદ્યોગનો દરજ્જો, ચારચક્રી વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની પણ તેમણે રજૂઆત કરી હતી.કંડલા ટિમ્બર એસો. દ્વારા પ્લાન્ટ ક્વોરન્ટાઇનને લગતા નિયમોમાં પડતી હાડમારી દૂર કરવા રજૂઆત કરાઇ હતી. માંડવી ચેમ્બરે અદાણી પોર્ટથી માંડવી સુધીની રેલવેલાઇન, માંડવી બીચનો પ્રવાસન ક્ષેત્રે વિકાસની રજૂઆત કરી હતી. ગુજરાત ચેમ્બરના પ્રમુખ અને સીનીના ઉપપ્રમુખે આ તમામ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી તથા મહેસૂલ મંત્રી સાથે રૂબરૂ બેઠકનું આયોજન કરીને પ્રશ્નોના નિવારણની ખાતરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના મંત્રી મહેશભાઇ તીર્થાણીએ જ્યારે આભારદર્શન ઉપપ્રમુખ તેજાભાઇ કાનગડે કર્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer