કોટડા જડોદરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભારી શાંતિ

કોટડા જડોદરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભારી શાંતિ
કોટડા (જડોદર) તા. નખત્રાણા, તા. 26 (પ્રતિનિધિ દ્વારા) : લગ્નના પ્રસંગ વચ્ચે પુરપાટ બાઇક ચલાવવાના અનુસંધાને આ ગામે ગતરાત્રે બનેલા હિંસક અને ધમાલીયા ઘટનાક્રમની ગંભીરતા લઇને પોલીસદળ દ્વારા ગોઠવાયેલા ચુસ્ત અને અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્તને લઇને વધુ કોઇ અનિચ્છનીય ઘટના ન બનવા સાથે ધોરીમાર્ગ ઉપરના આ ગામે અજંપાભરી શાંતિ જળવાઇ રહી છે. બનાવ બાબતે બન્ને પક્ષ દ્વારા એકમેક સામે હત્યાનો પ્રયાસ અને આગ લગાડવા સહિતના વિવિધ આરોપસર સામસામી ફરિયાદ લખાવાઇ છે. પોલીસે તાત્કાલિક પગલા લેતા અમુક આરોપીની ધરપકડ કરી છે અને કેટલાકને રાઉન્ડ અપ કર્યા છે.આ ગામના નાયાણી (પાટીદાર) પરિવારને ત્યાં લગ્નના પ્રસંગ દરમ્યાન મહેમાનો અને બાળકોની ઉપસ્થિતિ વચ્ચે સામાપક્ષના આરોપીઓ દ્વારા ધુમ સ્ટાઇલથી બાઇકથી આંટાફેરા કરાતા આ મુદદે ઠપકો આપવાના કારણે આ ગામે અગાઉ કયારેય ન જોયો હોય તેવો હિંસક અને તોફાની ઘટનાક્રમ જોયો હતો. સ્થિતિની ગંભીરતા પારખીને પોલીસનો વિશાળ કાફલો ગતરાત્રે જ સ્થાનિકે પંહોચી જતા સ્થિતિ વધુ વણસતી અટકી હતી અને આજે રાત્રિ સુધી વધુ કોઇ પ્રત્યાઘાતી ઘટના બની નથી. પ્રકરણને લઇને કોટડા ગામે આજે સજજડ બંધ પાળવામાં આવતા સુનકારભર્યા માહોલ વચ્ચે બંદોબસ્ત વચ્ચેની શાંતિનો અનુભવ થયો હતો. બહાર આવેલી વિગતો મુજબ હ્નમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભરત કાન્તીલાલ નાયાણી (ઉ.વ.36)ને વધુ સારવાર માટે ભુજ ખસેડાયા છે. જયાં તેમની હાલત ગંભીર બતાવાઇ રહી છે. આ જુથના અનિલ કાંતિલાલ નાયાણીને પણ ઇજાઓ થતા તેમને પણ ભુજ ખસેડાયા છે. નખત્રાણા પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ લઇને પાંચ આરોપી અને તેમની સાથેના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. કેસના આરોપી આરિફ સાલે કુંભાર, સાલે જાફર કુંભાર, અશરફ આમદ કુંભાર, ભઇલો જુસા કુંભાર અને આસિફ સાલે કુંભારની ધરપકડ કરી લીધી હતી. બનાવ અન્વયે સામાપક્ષ દ્વારા પણ આ લખાય છે ત્યારે પ્રતિ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પોલીસે અવિરત રાખી છે. ગતરાત્રે ઘટના બન્યા બાદ એકબાજુ નખત્રાણા પોલીસ અને આસપાસના પોલીસ મથકોની ટુકડીઓ કોટડા ગામે કાર્યરત કરાઇ હતી. તો સરહદ રેન્જના મહાનિરિક્ષક જે.આર. મોથાલીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સૈરભ સિંઘ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક વી.એન. યાદવ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. વધુ કોઇ અનિચ્છનીય કે પ્રત્યાઘાતી કિસ્સો ન બને તે માટે સજજડ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. જે હજુ જારી છે. આ સ્થિતિ વચ્ચે ગામે આજે જડબેસલાક બંધ રાખ્યો હતો. જેને લઇને સુનકારભર્યા માહોલમાં અજંપાભરી સ્થિતિનો ગામના રહેવાસીઓએ અનુભવ કર્યો હતો. બનાવ સંદર્ભે પત્રકારો સાથે વાતચીત કરતા એસ.પી. સૈરભ સિંઘએ ગઇકાલના ઘટનાક્રમમાં કુહાડી વડે જીવલેણ હ્નમલો ઉપરાંત ઘરમાં અને બહાર પડેલા વાહનોમાં આગ લગાડવાના અને દુકાનોની બહાર પડેલા ટાયરો સળગાવાના કિસ્સા બન્યાની વિગતો આપી હતી. પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું અને સામાપક્ષની ફરિયાદ લેવાનું ચાલુ હોવા સાથે બન્ને પક્ષના આરોપીઓની ધરપકડો અને રાઉન્ડ અપ માટેની કાર્યવાહી કરાયાની વિગતો તેમણે આપી હતી. પોલીસે આજે લોકોને કાયદાનો અહેસાસ થાય તે માટે ગામમાં ફલેગમાર્ચ પણ યોજી હતી. દરમ્યાન બનાવને ગામના સરપંચ પ્રેમજીભાઇ ભગતે સખત શબ્દોમાં વખોડી દરેક સમાજના લોકોને શાંતિ અને ભાઇચારાની અપીલ કરી હતી. તો પાટિદાર સમાજ અને હિન્દુ યુવા સંગઠનોએ જરૂર પડયે કાર્યક્રમો યોજવાની તૈયારી બતાવાઇ હતી. જયારે કોટડાના આ કિસ્સા અન્વયે ઓલ ઇન્ડીયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લીમીન સંસ્થા વતી પ્રમુખ સકિલ સમાએ એક યાદીમાં પોલીસ યોગ્ય કડક પગલા લઇ કાયદાનું રાજ સાબિત કરે તેવી એસ.પી. સમક્ષ લેખીત રજુઆત કરી હતી.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer