બંધારણીય ફરજો અંગે જાગૃત રહેવું જરૂરી

બંધારણીય ફરજો અંગે જાગૃત રહેવું જરૂરી
ગાંધીધામ, તા. 26 : ભારતીય બંધારણની  ફરજો અંગે જો  જાગૃત બનીશું તો  બંધારણીય  હક્કો  અને  અધિકાર  અંગે લડવા કે માગવાની જરૂરિયાત ઊભી નહીં થાય તેવો  સંયુકત સૂર આદિપુરમાં તોલાણી કોમર્સ કોલેજ અને તોલાણી મોટવાની ઈન્સ્ટિટયૂટ ઓફ લો દ્વારા ભારતીય બંધારણીય દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં અતિથિઓએ વ્યક્ત કર્યો હતો. ભારતીય બંધારણીય દિવસની ઉજવણીના ઉપલક્ષમાં ગાંધીધામ તાલુકા કાનૂની સેવા સમિતિના સહકારથી આયોજિત કાનૂની શિક્ષણ શિબિરના પ્રારંભમાં  ગાંધીધામના ચોથા અધિક ડિસ્ટ્રીકટ ન્યાયમૂર્તિ એમ.જે. પારાસર, ગાંધીધામના છઠ્ઠા એડિશનલ સિનિયર સિવિલ જજ પ્રદીપકુમાર વી. ધીમર, કચ્છ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી બી.એન. પટેલ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી હરીશ ગુપ્તા, ગાંધીધામ બારના પ્રમુખ હિતેશ ભારદ્વાજ, ગાંધીધામ કોલેજિયન બોર્ડના વહીવટી વડા વેંટશ્વરવરુ, તોલાણી લો કોલેજના ડાયરેક્ટર અને વરિષ્ઠ ધારાશાત્રી મુરારિ શર્મા, તોલાણી કોર્મસ કોલેજના આચાર્ય ડો. મનીષ પંડયાના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. ત્યારબાદ  મંચસ્થ મહેમાનોનું સન્માન  કરાયું હતું.  ભારતીય બંધારણીય  દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તે સહિતના મુદ્દે પ્રકાશ પાડતાં ન્યાયમૂર્તિ એમ.જે. પારાસરે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ જન્મ લેતાંની સાથે  બંધારણ સાથે જોડાઈ જાય છે. સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને  કાયદાઓ બનાવવામાં આવતા હોય છે. સંવિધાન આપણા પડછાયા સાથે ચાલે છે. ભારતીય બંધારણને શાંતિથી બેસી વાંચવું અને સમજવું પડે.આ પુસ્તક નથી પરંતુ આમાં તમામ બાબતોનો સમાવેશ કરાયો છે. ન્યાયમૂર્તિ શ્રી ધીમરે પ્રાસંગિક  ઉદ્બોધનમાં કહ્યું હતું કે, સમાજમાં જ્યારે વિભિન્ન  પ્રકારની કોઈ પણ  સમસ્યા ઊભી થાય તો લોકો ન્યાયતંત્ર  પાસે આવે છે. ન્યાયતંત્ર બંધારણનું રક્ષણ કરતું હોય છે. પ્રત્યેક વ્યક્તિએ આપણી સંવિધાનિક જવાબદારી અને અધિકારો સમજવા જોઈએ. મફત અને ફરજિયાત શિક્ષણનું પણ બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે. પોતાના કાર્યકાળ  દરમ્યાન આવેલા કેસોનાં ઉદાહરણોને ટાંકીને લીગલ ઓથોરિટીના બી.એન. પટેલે જણાવ્યું હતું કે  બંધારણીય કલમ 49 (એ) એ સમાજના ગરીબ અથવા તો જેનું કોઈ મહત્ત્વ નથી તેવા લોકોને  મદદરૂપ બને છે. ભારતીય  બંધારણીય અધિકારોની જોગવાઈઓને કેન્દ્રમાં રાખી  દેશની સર્વોચ્ય અદાલત દ્વારા સમયાંતરે   જુદા-જુદા કેસોના ચુકાદામાં માર્ગદર્શિકા  આપવામાં આવતી હોય છે. નાના કેસોના ઝડપી નિકાલ  અને સમાધાન માટે લીગલ ઓથોરિટી સર્વિસ કાર્ય કરતી હોય છે. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓએ ઉજ્જવળ કારકિર્દી માટે પણ કેટલાંક સૂચનો કર્યાં હતાં.તોલાણી કોર્મસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને લીગલ ઓથોરિટીના હરીશ ગુપ્તાએ પોતાનાં ઉદ્બોધનમાં કહ્યું હતું કે બંધારણીય મૂળભૂત ફરજો અદા કરીશું તો આપણે આપણા અધિકાર અને હક્કો માટે  માગવા કે લડવાની આવશ્યકતા ઊભી નહીં થાય. ગાંધીધામ વકીલમંડળના પ્રમુખ હિતેશ ભારદ્વાજ અને વરિષ્ઠ ધારાશાત્રી  મુરારિ શર્માએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. પ્રારંભમાં લો કોલેજના વિદ્યાર્થી જિતેન્દ્ર નાવાણી અને સિમરન જ્ઞાનચંદાણીએ બંધારણની મહત્ત્વપૂર્ણ બાબતો વર્ણવી હતી. કાર્યક્રમના  સંચાલનમાં  પ્રો. શ્વેતા શર્મા જોડાયા હતા. આભારવિધિ તોલાણી કોમર્સ કોલેજના પ્રે. એ.વી. ભારતીએ કરી હતી. આયોજનમાં બંને કોલેજના  સ્ટાફગણે સહકાર આપ્યો હતો.      

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer