ગાંધીધામના મહિલા તબીબને આઈ.એમ.એ. રાષ્ટ્રીય એવોર્ડ

ગાંધીધામના મહિલા તબીબને આઈ.એમ.એ. રાષ્ટ્રીય એવોર્ડ
ગાંધીધામ, તા. 26 : દિલ્હીમાં ઈન્ડિયા મેડિકલ એસોસીએશન (આઈ.એમ.એ)ની રાષ્ટ્રીય શાખા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગાંધીધામના મહિલા તબીબને ડો. કેતન દેસાઈ યુવા લીડર એવોર્ડ એનાયત કરાયો હતો. ગાંધીધામ તબીબી શાખામાં સૌથી નાની વયે પોતાનું નોંધપાત્ર યોગદાન આપનારા અને  સતત સક્રિય  ડો. તન્યા જોનવાલને આ એવોર્ડ અપાયો હતો. એવોર્ડ વિજેતા ગાંધીધામ આઈ.એમ.એ.ના ખજાનચી પદે સેવારત છે. સંગઠનમાં છેલ્લાં બે વર્ષથી કાર્યરત રહી સેવા આપી રહ્યા છે. ગાંધીધામ શાખાના પ્રમુખ  ડો. બળવંતભાઈ ગઢવીએ આ  બાબતને ગૌરવપૂર્ણ ગણાવી એવોર્ડ  વિજેતાનાં સમર્પણ અને મહેનતનાં કારણે આ સિદ્ધિ હાંસલ થઈ હોવાનું કહીને  તેમને બિરદાવ્યા હતા.ડો. તન્યાએ  આ સિદ્ધિ માટે પોતાના માતા-પિતાને સૌથી પહેલાં ભાગીદાર ગણાવ્યા હતા.ડો. છોટેલાલ (ચેતન) જોનવાલે પોતાની બંને પુત્રીઓને   આરોગ્યક્ષેત્રમાં અભ્યાસ કરાવી મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા સાથે નારી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડયું હોવાનું એક યાદીમાં જણાવ્યું છે. નોંધપાત્ર છે કે કોરોનાકાળમાં  વિવિધ સેવાકીય પ્રવૃત્તિ બદલ ગાંધીધામ આઈ.એમ.એ.ને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ  કચ્છમાં પ્રથમ વખત ગાંધીધામના તબીબે આ એવોર્ડ અંકે કરી આ શાખાની યશકલગીમાં વધારો કર્યો છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer